દિલ્હીમાં ભારે વરસાદ બાદ દીવાલ ધરાશાયીઃ સાત લોકોનાં મોત

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજધાનીના જૈતપુર વિસ્તારમાં એક ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થવાથી અત્યાર સુધી કુલ સાત લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ-વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

દીવાલ ધરાશાયી થવાની આ ઘટના સવારે બની હતી અને આઠ લોકો તેના નીચે દબાઈ ગયા હતા,  કાટમાળની નીચે દબાયેલા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ મૃતકોની ઓળખ શબીબુલ (30), રબીબુલ (30), મુત્તુ અલી (45), રૂબીના (25), ડોલી (25), રુખસાના (6) અને હસીના (7) તરીકે થઈ છે.

એડિશનલ ડીસીપી સાઉથ ઈસ્ટ ઐશ્વર્ય શર્માએ જણાવ્યું હતું  કે અહીં એક જૂનું મંદિર છે અને તેની બાજુમાં જૂની ઝૂંપડપટ્ટી છે, જ્યાં કબાડી લોકો રહે છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અમે હવે આ ઝૂંપડીઓને ખાલી કરાવી દીધી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. ગયા મહિને દિલ્હીના મુસ્તફાબાદમાં એક ઇમારત ધરાશાયી થઈ હતી અને આ ઘટનામાં 11 લોકોનાં મોત થયાં હતાં.

ઝાલાવાડમાં અકસ્માત

જુલાઈમાં જ રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી સ્કૂલની છત ધરાશાયી થઈ ગઈ હતી. તેમાં 10 બાળકોનાં મોત થયાં હતાં અને ઘણાં બાળકો ઘાયલ થયાં હતાં. સવાલ એ છે કે વરસાદના મોસમમાં સતત ઇમારત અથવા દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ શા માટે બની રહી છે? જો ઇમારતો અથવા કોઈ દીવાલ એટલી જર્જરિત છે તો નગરપાલિકા, નગરનિગમ અને બાકીની સરકારી એજન્સીઓએ સમયસર કાર્યવાહી શા માટે ન કરી?