મુંબઈ: ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ જરૂરિયાતમંદ બાળકો માટે હરાજીનું આયોજન કર્યું હતું. રાહુલને ઘણા ક્રિકેટરો પાસેથી હસ્તાક્ષર કરાયેલી રમતની વસ્તુઓ મળી હતી, જેને હરાજી માટે મૂકવામાં આવી હતી. વિપ્લા ફાઉન્ડેશન માટે યોજાયેલી ‘ક્રિકેટ ફોર ચેરિટી’ નામની આ હરાજીમાં વિરાટ કોહલીની વસ્તુઓને લઈને જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેની જર્સી અને ગ્લોવ્સ મેળવવા માટે હરાજીમાં ભારે ભીડ જામી હતી. રોહિત શર્મા અને એમએસ ધોનીના બેટ વિરાટની જર્સી સામે ફિક્કા પડી ગયા હતા. વિરાટ કોહલીની જર્સીએ હરાજીમાં ધૂમ મચાવી હતી. કોહલીએ રાહુલને વર્લ્ડ કપની સાઈન કરેલી જર્સી આપી હતી, જે 40 લાખ રૂપિયામાં વેચાઈ હતી. તેને તેના ગ્લોવ્સ માટે 28 લાખ રૂપિયા મળ્યા હતા. આ હરાજીમાંથી રાહુલે કુલ 1.93 કરોડ રૂપિયા કલેક્શન કર્યુ હતું.
ભારતમાં ક્રિકેટનો કેટલો ક્રેઝ છે એ કંઈ કહેવાની જરૂર નથી. વિરાટ-રોહિત જેવા મહાન ખેલાડીઓને મળવા માટે ચાહકોની આતુર ક્યારેય ઓછી જોવા મળી નથી. જો ચાહકોને તેમની વસ્તુ મળી જાય તો તેમના માટે એનાથી વિશેષ શું હોય શકે!તેથી, કેએલ રાહુલની હરાજીમાં આ મહાન ક્રિકેટરોની વસ્તુઓ પર ઘણી બોલી લાગી હતી. જો કે દર વખતની જેમ આ વખતે પણ વિરાટ પ્રત્યે લોકોની ચાહત વધારે જોવા મળી. રોહિત અને ધોનીના બે બેટ એકસાથે પણ વિરાટની જર્સીને ટક્કર આપી શક્યા ન હતા. હરાજીમાં રોહિતનું બેટ 24 લાખ રૂપિયામાં અને ધોનીનું બેટ 13 લાખ રૂપિયામાં વેચાયું હતું. આ બંને મળીને કુલ 37 લાખ રૂપિયા કમાય છે, જે વિરાટની જર્સીની કિંમત કરતા 3 લાખ રૂપિયા ઓછા છે.
હરાજીની સૌથી મોંઘી વસ્તુઓ
વિરાટ કોહલીની જર્સી અને ગ્લોવ્ઝ, રોહિત અને ધોનીના બેટ બાદ રાહુલ દ્રવિડનું બેટ,જેની કિંમત 11 લાખ રૂપિયા હતી. જ્યારે કેએલ રાહુલની ટીમ ઈન્ડિયાની ટેસ્ટ જર્સીની કિંમત 11 લાખ રૂપિયા છે. તેના વર્લ્ડ કપ બેટની કિંમત 7 લાખ રૂપિયા હતી. આ સિવાય જસપ્રીત બુમરાહની વર્લ્ડ કપની જર્સી 8 લાખ રૂપિયા અને રિષભ પંતના IPL બેટને 7 લાખ રૂપિયા મળ્યા છે.
સસ્તી હરાજી વસ્તુઓ
KL રાહુલની હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર નિકોલસ પૂરનની IPL જર્સીની સૌથી ઓછી કિંમત મળી. આ માટે માત્ર 45 હજાર રૂપિયાની બોલી લાગી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનની IPL જર્સી 50-50 હજાર રૂપિયામાં ખરીદાઈ હતી જ્યારે જોસ બટલરની IPL જર્સી 55 હજાર રૂપિયામાં ખરીદાઈ હતી.