રાજકોટ: સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શહેરમાં ગત 23મી નવેમ્બરથી રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં શરૂ થયેલી રામકથામાં વી.આઇ.પી. કલ્ચર પર આયોજકોએ રોક લગાવી છે. કથામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને વી.આઇ.પી. પાસને લઈને કેટલીક ફરિયાદો આયોજકોને મળી છે. જેના પગલે મંગળવારથી જ એક વી.આઇ.પી. પાસમાં એક જ વ્યક્તિને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન કથાને લઈને કેટલીક બીજી પણ ઘટનાઓ સામે આવી રહી છે.બાપુની રાજકોટની રામકથાને લઈને છેલ્લા એકાદ મહિનાથી માહોલ ઊભો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો કથામાં આવી રહ્યા છે. રોજ 50 હજાર ભાવિકો પ્રસાદ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં મહિલા, પુરુષ, વી.આઇ.પી., વી.વી.આઇ.પી. એમ જુદા-જુદા ચાર ભોજન ખંડ ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ વીરપુર જલારામ મંદિરના ગાદીપતિના પરિવારના સભ્યો કથામાં આવ્યા અને ભોજનખંડની વ્યવસ્થા જોયા બાદ આયોજકોને કહ્યું કે, ભોજન પ્રસાદમાં રાજા અને રંક એક હોવા જોઈએ. ભેદભાવ ન રાખવો જોઈએ. આ વાત આયોજકોએ સ્વીકારી અને આજે મંગળવારથી જ વી.આઇ.પી. ભોજન ખંડ બંધ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન VVIP પાસ ડુપ્લિકેટ બનાવ્યા હોવાની ફરિયાદો આયોજકોને મળી છે તેને લઈને આજથી જ બાપુની કથામાં જેમની પાસે VVIP પાસ હોય તો પણ એક જ વ્યક્તિને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. આ ખંડમાં પણ બેસવાની જગ્યા મળતી નથી. નકલી પાસ બનાવનારા પર વોચ રાખવામાં આવી રહી છે. જે કોઈ પકડાશે તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે.
શરૂઆતના બે દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં કેટલાક ડોમમાં વ્યવસ્થા ખોરવાઈ હતી. ખુદ આયોજકો પણ સુપેરે સંચાલન કરી શકે તેવી સ્થિતિ ન હતી. વી.આઇ.પી. પાસનો ડોમ ચોથી કેટેગરીમાં હોવાથી કેટલાક લોકોને સુરક્ષા કર્મચારીઓ સાથે વારંવાર ઘર્ષણ થતું હતું. રાજકોટની રામકથામાં આજે ચોથા દિવસે વ્યવસ્થામાં કેટલાક ફેરફારો આયોજકોને કરવા પડ્યા છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ )
(તસવીરો – નિશુ કાચા)