બેંગલુરુ:આગામી ૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ૨૦૨૭ના પ્રચાર અને રોકાણ આકર્ષવાના હેતુસર ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શહેરમાં ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ કેન્દ્રસ્થાને રહી હતી, જ્યાં રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગની નવી તકો શોધવા માટે અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.
ગુજરાતની ઔદ્યોગિક અને માળખાગત તાકાતનું પ્રદર્શન
રોડ-શો દરમિયાન ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિનોદ રાવ (IAS) દ્વારા VGGS 2027 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ટેક્સટાઇલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ૨૪x૭ પાવર સપ્લાય, આધુનિક બંદરો (પોર્ટ્સ), મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે કનેક્ટિવિટી અને ધોલેરા SIR જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વિશેષતાઓ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત, ગુજરાતની ઝડપથી વિકસતી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ પણ ગુજરાતમાં વ્યવસાયિક સરળતા અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના પ્રત્યક્ષ અનુભવો રજૂ કર્યા હતા.
બંને રાજ્યના સહયોગથી ‘વિકસિત ભારત @૨૦૪૭’નું નિર્માણ: રીવાબા જાડેજા
સેમિનારને સંબોધતા ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત અને કર્ણાટક વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “કર્ણાટકએ IT, સંશોધન, સર્વિસ, સ્પેસ, AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. બીજી તરફ, ગુજરાત કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે મજબૂત ક્ષમતા ધરાવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “બંને રાજ્યોના ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને સાથે લાવીને આપણે નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરી શકીશું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત કાર્યરત છે, અને આપણા સામૂહિક પ્રયાસો આ યાત્રાને વધુ વેગ આપશે.”
ગાંધીનગર સમિટ માટે ઉદ્યોગોને આમંત્રણ
ગુજરાત દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૭% અને માલસામાનની નિકાસમાં ૨૫% જેટલું માતબર યોગદાન આપે છે. બેઠકમાં કર્ણાટકની IT અને રિસર્ચ ઇકોસિસ્ટમને ગુજરાતના સેમિકન્ડક્ટર અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવા પર વિશેષ ચર્ચા થઈ હતી.
૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (વિકસિત ગુજરાત – વૈશ્વિક ભવિષ્યનું ઘડતર) થીમ હેઠળ યોજાશે. આ રોડ-શોના માધ્યમથી બેંગલુરુ અને સમગ્ર કર્ણાટકના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓને આંતર-રાજ્ય વેલ્યુ ચેઇન મજબૂત કરવા ગાંધીનગર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.




