અમેરિકી ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં થાય: મૂડીઝ

 નવી દિલ્હીઃ મૂડીઝ રેટિંગ્સે બુધવારે કહ્યું હતું કે અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં થાય અને ભારતીય અર્થતંત્ર મજબૂત રહેવાનું ચાલુ રહેશે. એજન્સીએ જણાવ્યું હતું કે ભારતનું વિશાળ સ્થાનિક અર્થતંત્ર, નિકાસ પર નીચી નિર્ભરતા, ઘરેલુ વપરાશને ઉત્તેજન આપતી નીતિઓ, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવા માટે સરકારની પહેલ વૈશ્વિક વેપારનાં જોખમોને ઘટાડવામાં મદદરૂપ થશે. એનાથી મોંઘવારી ઘટશે અને મજબૂત બેંકિંગ લિક્વિડિટીનો આધાર મળશે.

ઉભરતાં બજારો પરના અહેવાલમાં મૂડીઝે જણાવ્યું હતું કે અમેરિકાની નીતિમાં આવેલા ફેરફારો અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં ભારતની આંતરિક વૃદ્ધિ સાધનો તેના અર્થતંત્રને સ્થિરતા પ્રદાન કરે છે. અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના ટેન્શનથી પાકિસ્તાનની વૃદ્ધિ પર ભારતની તુલનાએ વધુ નકારાત્મક અસર થઈ શકે છે.

મજબૂત છે ભારતનું અર્થતંત્ર?

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલો ખર્ચ GDP વૃદ્ધિને ટેકો આપી રહ્યો છે, જ્યારે પર્સનલ ઇન્કમ ટેક્સમાં થયેલી કપાત ઘરેલુ ખપત વધારી રહી છે. માલના વેપાર પર ભારતની મર્યાદિત નિર્ભરતા અને તેની મજબૂત સર્વિસ સેક્ટર અમેરિકા દ્વારા લગાવેલા ટેરિફ સામે રાહતરૂપ છે. જો વેપાર સંવાદથી ભારત પર અન્ય ઉભરતાં બજારોની તુલનામાં ઓછા ટેરિફ લાગુ કરવામાં આવે તો ભારતે બનાવેલી વસ્તુઓ માટે અમેરિકામાં માગ વધવાથી લાભ મળી શકે છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ભારતનું મજબૂત બેંકિંગ બજાર અને સ્થિર ઋણ પરિસ્થિતિઓ તેની આર્થિક મજબૂતાઈને દર્શાવે છે.

જોકે મૂડીઝે ચેતવણી આપી છે કે જો વૈશ્વિક આર્થિક અને ઋણ પરિસ્થિતિઓ વધુ ખરાબ થાય તો તેની નકારાત્મક અસર ભારત પર પણ થઈ શકે છે. આ દરમિયાન રેટિંગ એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં વીજળી, પરિવહન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મજબૂત માગને કારણે મોટા પાયે મૂડીરોકાણ આકર્ષિત થશે.