અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની સેનાએ અમેરિકાની કોઈપણ ‘મૂર્ખતા’નો જડબાતોડ જવાબ આપવાની તૈયારી બતાવી છે, જ્યારે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના નવા સમજૂતી પ્રસ્તાવને ફગાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં, કારણ કે તે સમગ્ર વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો છે. બંને દેશો વચ્ચે વધતા જતા વાકયુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે.

ઈરાની સૈન્ય અધિકારી અસદીએ અમેરિકાના વલણ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અમેરિકી અધિકારીઓના મોટાભાગના નિવેદનો માત્ર મીડિયાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તેલના ભાવમાં થતા ઘટાડાને રોકવાનો અને પોતે ઉભી કરેલી વિષમ પરિસ્થિતિમાંથી સુરક્ષિત બહાર નીકળવાનો છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે ઈરાની સશસ્ત્ર દળો અત્યારે હાઈ એલર્ટ પર છે અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા કોઈ નવી હરકત કે ‘મૂર્ખતા’ કરશે તો તેનું પરિણામ ભયાનક આવશે.
આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના નવા કરારની શક્યતાઓને નકારી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન એવી શરતો મૂકી રહ્યું છે જે અમેરિકા માટે સ્વીકાર્ય નથી. વ્હાઇટ હાઉસથી ફ્લોરિડા જવા રવાના થતી વખતે ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે ઈરાન ચોક્કસપણે સમજૂતી કરવા ઈચ્છે છે, પરંતુ તેઓ પોતે આ શરતોથી સંતુષ્ટ નથી. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાનનું નેતૃત્વ હાલમાં વિખરાયેલું છે અને તે અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલું છે, જેને કારણે કોઈ નક્કર નિર્ણય લેવો મુશ્કેલ બની રહ્યો છે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે એક વિરોધાભાસી દાવો પણ કર્યો છે કે ઈરાન સાથે યુદ્ધવિરામ બાદ સંઘર્ષ હવે પૂરો થઈ ગયો છે. તેમણે ‘વોર પાવર્સ રેઝોલ્યુશન’ (War Powers Resolution) ને ગેરબંધારણીય ગણાવ્યું હતું. આ કાયદો રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વિના 60 થી 90 દિવસથી વધુ સમય માટે અમેરિકી સેનાને વિદેશી સંઘર્ષમાં સામેલ કરતા અટકાવે છે. ટ્રમ્પનું માનવું છે કે રાષ્ટ્રપતિ તરીકે તેમની પાસે દેશની સુરક્ષા માટે નિર્ણય લેવાની સ્વાયત્ત સત્તા હોવી જોઈએ.
ફ્લોરિડામાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે પોતાના કડક વલણને દોહરાવતા કહ્યું કે અમે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ હથિયાર બનાવવા દઈશું નહીં. તેમણે આક્ષેપ કર્યો કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવું એ ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને યુરોપના વિનાશ જેવું હશે. ટ્રમ્પે યુદ્ધમાં ઉતરવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે જો અમેરિકાએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો આજે આવા ‘પાગલ’ લોકોના હાથમાં પરમાણુ તાકાત હોત જે સમગ્ર વિશ્વને તબાહ કરી શકત. હાલમાં બંને દેશો વચ્ચેની આ ખેંચતાણ વૈશ્વિક શેરબજાર અને તેલના ભાવ પર પણ મોટી અસર કરી રહી છે.




