ભારત અને UAE વચ્ચેના વેપાર સંબંધોમાં સીમાચિહ્નરૂપ ઉછાળો જોવા મળ્યો છે. CEPA કરાર બાદ બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 101.25 અબજ ડોલરે પહોંચ્યો છે. આ વેપારમાં રત્નો અને આભૂષણો, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ઈલેક્ટ્રોનિક્સ અને કૃષિ ક્ષેત્રનો સૌથી મોટો ફાળો રહ્યો છે. UAE હવે ભારત માટે આફ્રિકા અને યુરોપના બજારોમાં પ્રવેશવા માટેનું મુખ્ય પ્રવેશદ્વાર બની ગયું છે. આ સફળતાને જોતા હવે વર્ષ 2032 સુધીમાં 200 અબજ ડોલરનો નવો વેપાર લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના આર્થિક સંબંધોની આ સફળતા પાછળ મે 2022 માં થયેલો મુક્ત વેપાર સમજૂતી (CEPA) મુખ્ય કારણ છે. પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર આ સિદ્ધિની વિગતો શેર કરતા લખ્યું હતું કે આ સમજૂતી માત્ર વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આફ્રિકા, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC), પશ્ચિમ એશિયા અને યુરોપના કેટલાક દેશો માટે પ્રવેશદ્વાર સમાન છે. ખાસ કરીને વસ્તુઓના વેપારમાં થયેલી મજબૂત વૃદ્ધિ અને સેવાઓના ક્ષેત્રમાં સતત વધી રહેલા વ્યાપને કારણે ભારતીય ઉત્પાદકો માટે વૈશ્વિક બજારોના દ્વાર ખુલ્યા છે અને મૂલ્ય નિર્માણમાં વધારો થયો છે.
આંકડાકીય વિશ્લેષણ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માં બંને દેશો વચ્ચેનો વેપાર 100.03 અબજ ડોલર હતો, જે 2025-26 માં વધીને 101.25 અબજ ડોલર થયો છે. આ સમયગાળા દરમિયાન ભારતનો UAE ખાતેનો નિકાસ દર લગભગ 2 ટકા વધીને 37.36 અબજ ડોલર રહ્યો છે, જ્યારે આયાત 0.77 ટકાના વધારા સાથે 63.89 અબજ ડોલર પર પહોંચી છે. આ વેપારમાં ભારતને 26.53 અબજ ડોલરની વેપાર ખાધ છે, જે મુખ્યત્વે ઉર્જા અને ક્રૂડ ઓઈલની આયાતને કારણે છે. જોકે, અન્ય ક્ષેત્રો જેવા કે રત્નો-આભૂષણ, એન્જિનિયરિંગ અને ઈલેક્ટ્રોનિક્સમાં ભારતનો નિકાસ પ્રદર્શન નોંધપાત્ર રીતે સુધર્યું છે.
તાજેતરમાં UAE એ કાચા તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક (OPEC) માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે UAE ની આર્થિક નીતિઓ ચર્ચામાં છે. ભારત માટે આ એક તક સમાન છે કારણ કે બંને દેશો હવે તેલ સિવાયના વેપાર (Non-oil trade) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એપ્રિલ-ડિસેમ્બર 2025-26 ના ગાળામાં UAE થી ભારતમાં 2.45 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે. જોકે આ આંકડો અગાઉના વર્ષના 4.34 અબજ ડોલર કરતા ઓછો છે, પરંતુ રોકાણની ગતિ સતત જળવાયેલી છે.
બીજી તરફ, ભારત અન્ય દેશો સાથે પણ વેપાર સંબંધો મજબૂત કરી રહ્યું છે. પીયૂષ ગોયલે તાજેતરમાં બ્રિટનના વાણિજ્ય મંત્રી પીટર કાઇલ સાથે પણ ઓનલાઇન બેઠક યોજી હતી. ભારત અને બ્રિટન વચ્ચે 24 જુલાઈ 2025 ના રોજ વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA) પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ ભારતની 99 ટકા નિકાસ બ્રિટિશ બજારમાં શૂન્ય ડ્યુટી પર પ્રવેશી શકશે, જેનાથી ભારતની નિકાસ શક્તિમાં ઓર વધારો થશે. ભારત અને UAE એ હવે જે રીતે 200 અબજ ડોલરનો લક્ષ્યાંક રાખ્યો છે, તે દર્શાવે છે કે આવનારા વર્ષોમાં પશ્ચિમ એશિયાના દેશો સાથે ભારતની આર્થિક ભાગીદારી વિશ્વ અર્થતંત્રમાં એક નવો અધ્યાય લખશે.




