હવે UPI થકી રૂ. 10 લાખ સુધી થઈ શકશે ચુકવણી

નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI પેમેન્ટ્સને લઈને મોટો ફેરફાર કર્યો છે. NPCIએ UPI દ્વારા થતી પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ચુકવણી માટે દૈનિક ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, જેનો હેતુ મહત્ત્વનાં ક્ષેત્રોમાં મોટાં ચુકવણાં સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. જોકે પર્સન-ટુ-પર્સન (P2P) ચુકવણીની દૈનિક મર્યાદા રૂ. એક લાખ જ રહેશે.

કયાં ક્ષેત્રો માટે વધારવામાં આવી મર્યાદા?

આ પગલાથી તેવાં ક્ષેત્રોને ફાયદો થશે જ્યાં અત્યાર સુધી ગ્રાહકોને મોટા ટ્રાન્ઝેક્શન માટે પરંપરાગત રીતો જેમ કે બેંક પેમેન્ટ અથવા રોકડનો સહારો લેવો પડતો હતો.

વીમા અને મૂડીબજાર ચુકવણી: પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. બે લાખથી વધારીને રૂ. પાંચ લાખ, જ્યારે દૈનિક મર્યાદા રૂ. 10 લાખ.

સરકારી ઈ-માર્કેટપ્લેસ (GEM) પોર્ટલ: ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. પાંચ લાખ.

પ્રવાસ સંબંધિત ચુકવણી: પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. પાંચ લાખ અને દૈનિક મર્યાદા રૂ. 10 લાખ.

ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી: પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. પાંચ લાખ અને દૈનિક રૂ. છ લાખની મર્યાદા.

ઘરેણાંની ખરીદી: મર્યાદા રૂ. એક લાખથી વધારીને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. બે લાખ અને દૈનિક રૂ. છ લાખ.

ફિનટેક નિષ્ણાતોએ આ બદલાવનું સ્વાગત કર્યું છે, તેમનું માનવું છે કે આ સમયસર લેવામાં આવેલ પગલું છે.