ફેબ્રુઆરીના પ્રારંભે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના

અમદાવાદઃ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્ય પર માવઠાનું સંકટ છે, એમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.  રાજ્યના અનેક વિસ્તારમાં 3,4 અને 5 ફેબ્રુઆરીને દિવસે અલગ-અલગ વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે આ  માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં  બનાસકાંઠા, મહેસાણા, થરાદ અને સાબરકાંઠામાં માવઠાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ 3, 4 ફેબ્રુઆરીએ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરામાં પણ ચોથી ફેબ્રુઆરીએ  ઝાપટું પડે એવી શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીએ મધ્યમથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતા  છે. જ્યારે અરવલ્લી, મહિસાગર અને દાહોદ જેવા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એ સાથે જ  દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, સુરત અને વલસાડમાં પાંચ ફેબ્રુઆરીએ હળવાથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે 28 જાન્યુઆરીથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. 30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવશે.