આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળાઓમાં 5થી 15 વર્ષના બાળકો માટે કેમ્પ

નવી દિલ્હી: ભારતના યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI) એ આધાર સંબંધિત શાળાના બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)ની સ્થિતિ ઉપલબ્ધ કરાવવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે હાથ મિલાવ્યા છે. આ માટે યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન પર જઈને આ કાર્ય કરી શકાશે. આ એક એવું પગલું જે કરોડો વિદ્યાર્થીઓને આધારમાં MBU ઉપલબ્ધ કરાવશે.પાંચ વર્ષની વયના બાળકો અને પંદર વર્ષની વયના બાળકો માટે આધારમાં MBU સમયસર પૂર્ણ કરવું ફરજિયાત આવશ્યકતા છે. આધારમાં બાળકોના બાયોમેટ્રિક ડેટાની ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે. લગભગ 17 કરોડ આધાર નંબર છે જેમાં ફરજિયાત બાયોમેટ્રિક્સ અપડેટ બાકી છે.

બાળક માટે આધારમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરવું આવશ્યક છે, નહીં તો તેમને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવવામાં અડચણ ઉભી થઈ શકે છે. સાથે જ NEET, JEE, CUET જેવી સ્પર્ધાત્મક અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં નોંધણી માટે પ્રમાણીકરણ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ અને વાલીઓ છેલ્લી ઘડીએ આધાર અપડેટ કરવાની ઉતાવળમાં હોય છે, જે સમયસર બાયોમેટ્રિક્સ અપડેટ કરીને આ સમસ્યા ટાળી શકાય છે.

UIDAIના CEO ભુવનેશ કુમારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મુખ્ય સચિવોને પત્ર લખીને આ પહેલ વિશે માહિતગાર કર્યા છે અને તેમને લક્ષિત MBU કેમ્પનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે. UIDAIના CEOએ તેમના પત્રમાં લખ્યું છે કે, “એવું વિચારવામાં આવ્યું હતું કે શાળાઓ દ્વારા શિબિર યોજવાથી બાકી રહેલા MBU પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. મુખ્ય પ્રશ્ન એ હતો કે શાળાઓને કેવી રીતે ખબર પડશે કે કયા વિદ્યાર્થીઓએ બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી. UIDAI અને ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની ટેકનિકલ ટીમોએ UDISE+ એપ્લિકેશન દ્વારા ઉકેલને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે સાથે મળીને કામ કર્યું છે. હવે બધી શાળાઓ બાકી રહેલા MBU વિશે માહિતી મેળવી શકશે”.