હિન્દી ભાષા મુદ્દે ઠાકરે બંધુ આવ્યા એકસાથે, મુંબઈમાં ભેગા મળીને કરશે વિરોધ

રાજકારણમાં પરિવારના ફાટા પડે અને પાછા ભેગા થાય એ ઘટનાઓ કંઈ નવાઈ પમાડે તેવી નથી. મહારાષ્ટ્રમાં છૂટા પડી ગયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે સમાધાનના મોટા સંકેત દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) 5 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત કૂચ કાઢવા જઈ રહી છે.

મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાનો મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો છે. તેના વિરોધમાં ઠાકરે ભાઈઓ એકસાથે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે કૂચ કરશે. પહેલા એવું આયોજન કરવામાં આવ્યું હતું કે બંને પક્ષો અલગ-અલગ કૂચ કાઢશે, પરંતુ હવે બંનેએ રાજ્ય પર હિન્દી લાદવાના વિરોધમાં એકસાથે આવવાનું નક્કી કર્યું છે.

હકીકતમાં, શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ‘X’ પર એક તસવીર શેર કરી છે, જેમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળી રહ્યા છે. સંજય રાઉતે લખ્યું,’મહારાષ્ટ્રની શાળાઓમાં ફરજિયાત હિન્દી વિરુદ્ધ એક સંયુક્ત કૂચ થશે. ઠાકરે બ્રાન્ડ છે!’ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને ગિરગાંવ ચોપાટીથી આઝાદ મેદાન સુધીના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા ધોરણ 1 થી 5 સુધી હિન્દીને વૈકલ્પિક ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના નિર્ણય વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

શિવસેના (UBT) સાંસદે કહ્યું કે અમે હિન્દીના વિરોધમાં નથી, પરંતુ તેને બળજબરીથી લાદવી ન જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ ઠાકરેનું વલણ અપનાવ્યું છે. 5 જુલાઈએ એક રેલી થશે. રેલી ક્યાં યોજાશે અને તેનો સમય શું હશે તેની અમે ચર્ચા કરીશું.