નવી દિલ્હીઃ ટ્રમ્પ સરકારે ભારતની છ કંપનીઓ પર ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનોનો વેપાર કરવા બદલ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ કુલ મળીને દુનિયાભરની એવી 20 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને જણાવ્યું છે કે તેમનો આ વેપાર કાર્યકારી આદેશ 13846 હેઠળ અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.
અમેરિકાનો દાવો છે કે ઈરાની સરકાર આ બિઝનેસમાંથી મળતી આવકને મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધારવા, આતંકવાદને નાણાકીય સહાય કરવા અને પોતાના નાગરિકો પર દમન કરવા માટે ઉપયોગમાં લે છે.અમેરિકાના વિદેશ મંત્રાલયે બુધવારે ઈરાનના પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વ્યવસાયમાં સંકળાયેલી 20 વૈશ્વિક કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે ઈરાની શાસન પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવા માટે મિડલ ઈસ્ટમાં હિંસા ફેલાવે છે. અમેરિકા એ આવકના પ્રવાહને અટકાવવા માટે પગલાં લીધાં છે.
વિદેશ મંત્રાલયે ભારત, યુએઈ, તુર્કી અને ઈન્ડોનેશિયાની આ 20 કંપનીઓને ઈરાનથી આવેલાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોની મહત્વપૂર્ણ ખરીદી અને વેચાણ માટે પ્રતિબંધિત કરી છે.
यही 6 भारतीय कंपनियां हैं, जिन पर अमेरिका ने प्रतिबंध लगाया है pic.twitter.com/qaDKfnWRDe
— हर्ष वर्धन त्रिपाठी 🇮🇳Harsh Vardhan Tripathi (@MediaHarshVT) July 31, 2025
આ છે ભારતની 6 પ્રતિબંધિત કંપનીઓ:
- અલકેમિકલ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ –અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 વચ્ચે આ કંપનીએ ઈરાનમાંથી 84 મિલિયન ડોલરથી વધુનાં પેટ્રોકેમિકલ ઉત્પાદનો આયાત કર્યાં.
- ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ – જુલાઈ 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે 51 મિલિયન ડોલરથી વધુના મિથેનોલ સહિત ઈરાની ઉત્પાદનોની ખરીદીનો આરોપ.
- જ્યુપિટર ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ – આ ભારતની પેટ્રોકેમિકલ ટ્રેડિંગ કંપની છે. જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ટોલ્યુન જેવી ચીજવસ્તુઓના 49 મિલિયન ડોલરથી વધુના ઈરાની ઉત્પાદનોની આયાતનો આરોપ.
- રમણિકલાલ એસ. ગોસલિયા એન્ડ કંપની – આ પેટ્રોકેમિકલ કંપનીએ 2024માં મિથેનોલ અને ટોલ્યુન જેવી ચીજવસ્તુઓમાં 22 મિલિયન ડોલરથી વધુની ખરીદી કરી હોવાનો આરોપ છે.
- પરસિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઈવેટ લિમિટેડ – ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 વચ્ચે યુએઈની કંપનીઓ (જેમકે બાબ અલ બર્શા) પાસેથી 14 મિલિયન ડોલરનાં ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરી હોવાનો આરોપ છે.
- કંચન પોલિમર – આ કંપનીએ તાનાઈસ ટ્રેડિંગ પાસેથી પોલિથિન સહિત 1.3 મિલિયન ડોલરથી વધુના ઈરાની ઉત્પાદનોની ખરીદી કરી હોવાનો આરોપ છે.
આ તમામ ભારતીય કંપનીઓને ઈરાનથી પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી, વેચાણ, પરિવહન કે માર્કેટિંગ જેવા મહત્વપૂર્ણ વ્યવહારોમાં જાણબૂજીને સંડોવાયેલી હોવાને કારણે અમેરિકાના કાર્યકારી આદેશ 13846ની કલમ 3(અ) (iii) હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે.
