ભુજ: “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ” હવે કચ્છમાં પોતાની પ્રથમ આવૃત્તિ રજૂ કરશે. ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા “અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ” ભુજની કલાપ્રેમી જનતા માટે ચાર અદ્દભૂત પ્રસ્તુતિઓ રજૂ કરવાની છે, જે દર્શકો માટે તદ્દન નિઃશુલ્ક રહેશે. આ બે દિવસીય કાર્યક્રમમાં 12 જુલાઈ અને 13 જુલાઈના રોજ ટાઉન હોલ ખાતે નાટ્ય, નૃત્ય અને સંગીતની આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.12મી જુલાઈના રોજ ખુશી લંગાલિયા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય “નર્મપ્રવાહ” રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ પ્રિયાંક ઉપાધ્યાય દ્વારા આધ્યાત્મિક પ્રાયોગિક નાટક “શૂન્યાવતાર” રજૂ કરવામાં આવશે. જ્યારે 13મી જુલાઈના રોજ, અનન્યા વૈદ્ય દ્વારા પ્રાયોગિક-આધુનિક લોકનાટક “વહી કહાની, ફિર” અને હાર્દિક દવે દ્વારા લોક સંગીતની પ્રસ્તુતિ “શબ્દ પરિક્રમા” રજૂ કરવામાં આવશે.
આ પ્રદર્શન દરેક શૈલીના પ્રખ્યાત કલા ક્યુરેટરો દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે. જેમાં સંગીત ક્ષેત્રે ભાર્ગવ પુરોહિત, રંગભૂમિમાં ચિરાગ મોદી અને નૃત્યમાં જયમિલ જોશી ક્યુરેટર રહ્યા હતા, જયારે મેન્ટર તરીકે કલા ક્ષેત્રના પ્રખ્યાત નામો – રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક) અને મૌલિક અને ઇશિરા (નૃત્ય) નો સમાવેશ થાય છે.
વર્ષ 2018માં અમદાવાદથી શરૂ થયેલ “અભિવ્યક્તિ”એ અત્યાર સુધીમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરત ખાતે કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી છે. યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિના મંચ ઉપર અત્યાર સુધી દેશભરમાંથી 1979 કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે. તેમજ અભિવ્યક્તિના આ મંચ અત્યાર સુધી 6.19 લાખથી વધુ કલાપ્રેમીઓની પ્રશંસા મેળવી છે.
