ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર દલીલો, અમેરિકામાં ઝેલેન્સકીની માફીની માગ ઉઠી

અમેરિકા: યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે યોજાયેલી મંત્રણામાં ઉગ્ર દલીલો બાદ ઝેલેન્સ્કી મક્કમ રહ્યા અને તેમણે ટ્રમ્પથી માફી માગવાનો ઈનકાર કરી દીધો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ ઘટનાને બંને પક્ષો માટે નુકસાનકારક ગણાવી હતી.

ઝેલેન્સ્કીને અફસોસ પણ માફીનો ઈનકાર

ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમેરિકા સમર્થન પાછું ખેંચી લેશે તો રશિયા વિરુદ્ધ યુક્રેનની સુરક્ષા કરવી અમારા માટે મુશ્કેલ બની જશે. જો કે મને એ વાત પર અફસોસ છે કે અમેરિકન પ્રમુખ સાથે ઉગ્ર દલીલોનું જાહેર પ્રસારણ કરાયું. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે વિનમ્રતા જાળવી રાખવા માગીએ છીએ.

ઝેલેન્સ્કીનું વલણ સ્પષ્ટ 

જ્યારે ઝેલેન્સ્કીને સવાલ કરાયો કે શું તમે અમેરિકન પ્રમુખ પાસે માફી માગવાનો છો તો તેમણે જવાબ આપ્યો કે ના, હું પ્રમુખનું સન્માન કરું છું. હું અમેરિકન લોકોનું પણ સન્માન કરું છું પણ મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું છે. ટ્રમ્પ અને પુતિનના વધતા સંબંધો વચ્ચે ઝેલેન્સ્કીએ કહ્યું કે હું ઈચ્છું છું કે ટ્રમ્પ મધ્યસ્થતા કરતા રહે. મારી ઈચ્છા છે કે ટ્રમ્પ અમારી તરફેણ કરે. જોકે શું હવે ફરી ટ્રમ્પ સાથે સારા સંબંધો બનશે તેવા સવાલના જવાબમાં તેમણે હાંમાં જવાબ આપ્યો હતો.