ઓનલાઈન ગેમિંગની લતને કારણે ત્રણ સગી બહેનોએ કરી આત્મહત્યા

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય બહેનો ઓનલાઈન ગેમિંગની લતની શિકાર હતી. જણાવવામાં આવે છે કે પરિવાર સતત તેમને ઓનલાઈન ગેમ રમવાથી રોકતો હતો, જેને કારણે ત્રણેય બહેનોએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના ગાઝિયાબાદના ટિલા મોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભરત સિટી સોસાયટીની છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ ગેમ રમતી હતી ત્રણેય બહેનો

ત્રણેય બહેનોની ઉંમર અનુક્રમે 16, 14 અને 12 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રણેય બહેનો ઓનલાઈન ટાસ્ક-બેઝ્ડ કોરિયન લવ ગેમ રમતી હતી. બહેનોનાં નામ નિશિકા, પ્રાચી અને પાખી છે. ઘટનાના બાદ તેમના પિતા ચેતન કુમાર ગંભીર આઘાતમાં છે. જણાવવામાં આવે છે કે કોરોના કાળ દરમિયાન જ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી અને ત્યાર બાદ તેમણે ટાસ્ક-બેઝ્ડ ગેમ રમવાનું શરૂ કર્યું હતું.

કોરોના દરમિયાન જ તેમણે અભ્યાસ પણ છોડી દીધો હતો અને તેમની સ્કૂલ નિયમિત નહોતી. આ ઘટના મંગળવારે રાત્રે લગભગ બે વાગ્યે બની હતી. ત્રણેય બહેનો સાથે મળીને કામ કરતી હતી અને સાથે જ ગેમ પણ રમતી હતી. જોકે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, એમ અહેવાલ કહે છે.

વધી રહ્યા છે આત્મહત્યાના કેસો

દેશમાં યુવાઓમાં આત્મહત્યાના કેસો ઝડપથી વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર 1995થી 2021 દરમિયાન 1,34,735 યુવાઓએ આત્મહત્યા કરી છે. ચોંકાવનારી વાત એ છે કે દેશમાં 26 વર્ષોમાં કુલ અંદાજે 33 લાખ લોકોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 40 ટકા યુવા અને સગીર હતા. NCRBના આંકડા મુજબ 2022માં દેશમાં 1,70,924 આત્મહત્યાઓ નોંધાઈ હતી, જે 2021ની તુલનામાં 4.2 ટકા વધુ છે.