20 વર્ષથી મહિલા સરપંચ થકી આ ગ્રામ પંચાયત છે સમરસ!

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ, એટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ બન્યા.

આ અંગે મહિલા સરપંચ લીલાબેન મોરીએ કહ્યુ કે, “30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પંચાયતનું કાર્ય ખૂબ સરસ ચાલે છે, તેનું મુખ્ય કારણ તેમના ગામની એકતા છે, એ ઉમેરે છે કે, અમારા માટે ગર્વની વાત એ પણ છે કે અમારી સમરસ ગ્રામ પંચાયત કમિટી મહિલાઓથી સંચાલિત છે. પ્રથમવાર સરપંચમાં ચૂંટાયા પછી એમણે જે વિચાર્યું હતું એ, એમણે કરી બતાવ્યું, એમના બોરડી ગામને સુંદર, નિર્મળ અને ગોકુળિયું બનાવવાનો એમનો સંકલ્પ ગ્રામજનોના સહકાર થકી પરિપૂર્ણ થયો છે.”

21 વર્ષની આ રોચક સફર અંગે કહે છે, “ પ્રથમ ટર્મ વખતે બે ત્રણ મહિલા સદસ્યો જ પંચાયતની કમિટીમાં સામેલ હતી. ત્યાર પછી ગામના વડીલો અને ગ્રામજનોએ આ બે- ત્રણ મહિલાઓની કામગીરીને નિહાળી અને તેમને બિરદાવતા ગામના પુરુષ આગેવાનો દ્વારા અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે.”

સરપંચ બન્યા બાદ એમણે સરકારની યોજનાઓના લાભ થકી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા, સ્વજલધારામાંથી પાણીની ટાંકીઓ બનાવડાવી, વિવિધ આવાસ યોજનાઓનો લાભ આપી ઘર વિહોણા,કાચા ઘરમાં રહેતા ગ્રામજનોને પાકી છત કરાવી છે, હવે સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાં ફરી જે વધારાની ગ્રાન્ટ મળશે તેમાંથી પણ ગામના વિકાસ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પાર પાડવાનું આયોજન છે.

(નેહા તલાવિયા)