દેશની સંસદમાં થશે વાયુ પ્રદૂષણ પર મંથન

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ દિલ્હી સહિતનાં ઘણાં મોટા શહેરો ગંભીર વાયુ પ્રદૂષણની ચપેટમાં હોવાનું જણાવતાં કહ્યું હતું કે સરકારે સંસદમાં વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ અને આ સમસ્યાનો સામનો કરવા માટે એક સ્પષ્ટ યોજના રજૂ કરવી જોઈએ. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ વિરોધ કરવા માટે નહીં, પરંતુ સરકારને સહકાર આપવા આવ્યા છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે આવતાં 45 વર્ષ માટે સરકાર પાસે શું રોડમેપ છે. તેમણે કહ્યું હતું કે શું સરકાર આ યોજના સંસદમાં રજૂ કરી શકે? તેમણે જણાવ્યું હતું કે આપણાં મોટા ભાગનાં શહેરો હાલમાં ઝેરી હવાના પ્રભાવ હેઠળ આવી ગયાં છે. લાખો બાળકોનાં ફેફસાં અનેક બીમારીઓથી પીડિત છે. તેમનું ભવિષ્ય જોખમમાં છે. લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે અને વડીલોને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલી પડી રહી છે.તેમણે કહ્યું હતું કે આ અત્યંત મહત્વનો મુદ્દો છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર પણ આ પર સહમતિ આપશે. આ કોઈ વૈચારિક મુદ્દો નથી. સભાના તમામ સભ્યો જરૂર માનશે કે વાયુ પ્રદૂષણ લોકો માટે નુકસાનકારક છે અને તેનાથી બચવા માટે સૌએ સાથે મળીને પગલાં ભરવાં જોઈએ.

તેમણે એ પણ કહ્યું હતું કે પ્રદૂષણ સામે લડવા માટે નક્કર ઉકેલો લાવવા અત્યંત જરૂરી છે. એક-બીજા પર આરોપ લગાવવાથી કોઈ ઉકેલ આવશે નહીં. સરકાર અને વિરોધ પક્ષ મળીને આ પર વિસ્તૃત ચર્ચા કરી શકે છે.રાહુલ ગાંધીના પ્રસ્તાવ પર સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટી આ માટે સમય ફાળવી શકે છે. રિજિજુએ સ્પષ્ટ કર્યું કે સરકાર શરૂઆતથી જ વિરોધ પક્ષનાં સૂચનોને સાથે લઈને તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને ઉકેલ લાવવા ઇચ્છે છે.