જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુર શહેરને મેંગનીઝ, લોખંડના અયસ્ક (આયર્ન ઓર) સહિત અનેક ખનિજ સંપત્તિઓ માટે ઓળખવામાં આવે છે. હવે જબલપુરની ધરતીમાં સોનું મળવાનું પુષ્ટિ થતાં લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો છે. ભૂવિજ્ઞાનીઓએ ઘણાં વર્ષોની શોધખોળ બાદ જબલપુરમાં સોનાની ખાણ મળ્યાનો દાવો કર્યો છે.
વિશેષજ્ઞોએ તેમની તપાસમાં સોનું મળવાનું નિશ્ચિત કર્યું છે. ભૂવિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જબલપુર જિલ્લાના સેહોરા તાલુકાના મહગવા કેવલારી ગામમાં 100 હેક્ટરથી પણ વધુ જમીનમાં સોનાની જેવી દેખાતી ધાતુઓ અને કણો મળ્યા છે. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જમીન હેઠળ ભારે માત્રામાં સોનાનો ખજાનો છુપાયેલો છે.
ભૂવિજ્ઞાનીઓએ તેની શોધ કરી અને આ હકીકત જાણવા મળતાં દરેક વ્યક્તિમાં ઉત્સાહ છે. હવે વિશ્વની નજર જબલપુર પર ટકી ગઈ છે. જો સાચે જ સેહોરા વિસ્તારમાં સોનાનો ખજાનો મળી જાય તો માત્ર મધ્ય પ્રદેશ નહીં પણ દેશની કિસ્મત બદલાઈ શકે છે. અત્યાર સુધી આયર્ન, મેંગનીઝ, બોક્સાઇટ અને અન્ય માર્બલ માટે જાણીતા જબલપુરમાં સોનું મળતાં વૈજ્ઞાનિકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળે છે.
ભૂવિજ્ઞાનીઓ અને માઇનિંગ વિશેષજ્ઞોની હમણાં સુધીની તપાસ પ્રમાણે જબલપુરના સેહોરા તાલુકાના મહગવા કેવલારી વિસ્તારમાં મળેલો સોનાનો ખજાનો 100 હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. અનુમાન મુજબ ત્યાં અનેક ટન સોનું હોય તેવી શક્યતા છે. આ વિસ્તાર પહેલેથી જ માઇનિંગ માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. એટલે દેશભરના ખનન ઉદ્યોગકારોની નજર આ વિસ્તારમાં છે.
