વ્હાઇટ હાઉસમાંથી હજારો ફેડરલ કર્મચારીઓની છટણીની શક્યતા

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ કર્મચારીઓની છટણી અને પોતાના વિરોધીઓને સજા આપવા માટે સરકારી શટડાઉનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે બજેટ નિર્દેશક રસ વોટ સાથે મુલાકાત કરી તાત્કાલિક અથવા કાયમી ખર્ચમાં કાપ મૂકવા અંગે ચર્ચા કરી હતી, જેને કારણે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ટ્રમ્પે જાહેર કર્યું હતું કે તેઓ અને રસ વોટ મળીને નક્કી કરશે કે કઈ-કઈ ડેમોક્રેટ સમર્થિત યોજનાઓમાં કાપ મૂકવામાં આવશે.

અમેરિકી સરકાર બંધ થવાના બીજા જ દિવસે હજારો ફેડરલ કર્મચારીઓ માટે અનિશ્ચિતતાનું વાતાવરણ બની ગયું છે, જેમને રજા પર મોકલવામાં આવવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની શક્યતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ હજારો ફેડરલ કર્મચારીઓની છટણી પર વિચાર કરી રહ્યું છે.

આ છટણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં લેવિટે કહ્યું હતું કે જો ડેમોક્રેટ્સે સરકારને ખુલ્લી રાખવા માટે મતદાન કર્યું હોત તો આવું ન થયું હોત.વોટે આગળ દલીલ કરી હતી કે ડેમોક્રેટ્સ શટડાઉન સાથે રાજકારણ કરી રહ્યા છે અને તેના માટે કોઈ યોગ્ય કારણ નથી. તેમણે કહ્યું હતું કે તે લોકો રાજકીય કારણોથી આવું કરી રહ્યા છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેઓ કરદાતાના પૈસાથી મળતા આરોગ્ય સેવાના લાભ ગેરકાયદે વિદેશીઓને આપવા માગે છે, જેને અમેરિકી જનતાએ ગયા વર્ષે ચૂંટણી પહેલાં જ પૂરેપૂરું નકારી દીધું હતું.

અમેરિકામાં શટડાઉનની શી થશે અસર

ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી શટડાઉનનો ઉપયોગ ડેમોક્રેટિક સાંસદો પર રાજકીય દબાણ વધારવા માટે કર્યો છે. તેમણે કહ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ, જાતિ સમાનતા અને ગરીબી સામે કામ કરતી એજન્સીઓ, અન્ય બાબતો ઉપરાંત, નાણાંની અછતને કારણે બંધ થઈ શકે છે.