નડિયાદ : હમણાં ભારતભરમાંથી વિદેશ ફરવા, કમાવવા અને ભણવા જવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. એમાંય ગુજરાતના કોઈપણ નાના મોટા શહેરમાં એન્ટ્રી મારો ત્યારથી જ વિદેશ મોકલવા મદદ કરતી સંસ્થાઓના હોર્ડિંગ્સ, કટ આઉટ, બેનર્સ જોવા મળે. વિદેશની ટુર્સ ટ્રાવેલ્સ, એજ્યુકેશન વિઝા, વર્ક વિઝા માટેની જાહેરાતો અખબારોમાં પણ અઢળક છપાય છે. લોકોને વિદેશ મોકલવા માટે આકર્ષણ ઉભુ કરવા માટે એકદમ પોશ વિસ્તારના જાજરમાન હોલ અને હોટલોમાં સેમિનારો પણ ગોઠવાય છે. આમેય આખાય ચરોતરમાં અઢળક લોકો વિદેશમાં છે. એટલે ખેડા, આણંદ, નડિયાદમાં લોકોને વિદેશ પહોંચાડવા અવનવી જાહેરાતો મુકવામાં આવે છે.
લોભામણી જાહેરાતો
એમાંય સૌથી મજાની વાત વિદેશ જવા કાગળીયા ભેગા કરવા સલાહ આપવા મદદ કરતી સંસ્થાઓની લોભામણી આકર્ષક જાહેરાતોની છે. અરજન્ટ વિઝા..પરિણામની ઉચ્ચ ટકાવારી સાથેના ફોટા..તો મુકે જ સાથે વિઝાની ગેરેંટી પણ આપે. આવી જ એક અનોખી જાહેરાત નડિયાદ શહેરથી ઉતરસંડા તરફ જતા માર્ગના ડીવાઈડર પરના પાટિયા પર જોવા મળી.
વિદેશ જવા ડાબી બાજુ વળો
એમાં અંગ્રેજીમાં લખ્યું છે..યુકે, કેનેડા, યુએસએ, યુરોપ. વિદેશ જવા માટે ડાબી બાજુ વળો,, બીજી તરફ માર્ગ પર લખ્યું છે..વિદેશ જવા જમણી બાજુ વળો.. જે શિક્ષિત અને જાણકાર હોય એને સમજણ પડી જાય. આ ભણવા કે કમાવા વિદેશ મોકલતા સલાહ આપતા એજન્ટની ઓફિસ જ હશે..બાકી વિદેશ જવા ડાબી બાજુ વળો અને જમણી બાજુ વળોનું પાટિયું વાંચી એમ થાય કે આ નડિયાદમાં ડાબે જમણે જવાથી ક્યા દેશ જવાતુ હશે..?
(પ્રજ્ઞેશ વ્યાસ)