નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તે બિહારની મતદાતા યાદીના ડ્રાફ્ટમાંથી બહાર કરવામાં આવેલા લગભગ 65 લાખ મતદાતાઓનું વિગતવાર વિવરણ નવ ઓગસ્ટ સુધી રજૂ કરે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ ઉજ્જલ ભૂઇયાં અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે તેઓ કાઢી નાખેલા મતદાતાઓની વિગતો રજૂ કરે અને તેની એક નકલ NGO એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ને પણ આપે. જોકે આ વિગતો અગાઉ રાજકીય પક્ષો સાથે વહેંચવામાં આવી ચૂકી છે.
NGO દ્વારા ચૂંટણી પંચના 24 જૂનના એ આદેશને પડકારતા નવા અરજપત્રમાં અપીલ કરવામાં આવી છે, જેમાં બિહારમાં મતદાતા યાદીના ખાસ વિશેષ નિરીક્ષણ (Special Intensive Revision – SIR)માં આલેખાયેલા અંદાજે 65 લાખ લોકોને યાદીમાંથી કાઢી નાખવાની વિગતવાર સૂચિ પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લોકો મૃત છે, કાયમ માટે સ્થળાંતર કરી ચૂક્યા છે કે કોઈ અન્ય કારણસર તેમનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.
ખંડપીઠે NGO તરફથી રજૂ થયેલા વકીલ પ્રશાંત ભૂષણને જણાવ્યું હતું કે નામો હટાવવાનાં કારણો પછી જણાવવામાં આવશે, કેમ કે હાલ તો આ માત્ર એક ડ્રાફ્ટ યાદી છે. ભૂષણે દલીલ કરી હતી કે કેટલાક રાજકીય પક્ષોને હટાવેલા મતદાતાઓની યાદી આપવામાં આવી છે, પણ તેમાં એ સ્પષ્ટ નથી કરાયું કે આ લોકો મરી ચૂક્યા છે કે તેમણે સ્થળાંતર કર્યું છે.
ખંડપીઠે ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે અમે દરેક અસરગ્રસ્ત મતદાતાઓ સાથે સંપર્ક કરીશું અને જરૂરી માહિતી મેળવીશું. તમે શનિવાર સુધી જવાબ દાખલ કરો અને ભૂષણને તે જોવાની મંજૂરી આપો, ત્યાર બાદ અમે જોઇશું કે શો ખુલાસો થયો છે અને શું નહોતો થયો.
