ધૂળેટી પૂર્વે રંગો પિચકારીઓનું ધૂમ વેચાણ શરૂ

અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં તેની સામગ્રીનું દરેક વિસ્તારમાં વેચાણ થઇ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની મધ્યમાં આવેલા જૂના હોલસેલ બજારમાં આધુનિક, નવી વેરાઇટીવાળી સામગ્રી મળી રહી છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઇ છે. પરંતુ મોંધવારીને પગલે હોલસેલ બજારમાં માલ સામાનની અછત વર્તાય છે. છુટક વેપારમાં સતત તેજી જોવા મળે છે.દિલ્હી દરવાજાના વેપારી પ્રકાશભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે ફાયરમાં એટલે કે આગ ઓલવવામાં વપરાતા સિલિન્ડર જેવા આકારમાં રંગોની માગ વધી છે. વિવિધ રંગોથી ભરેલા સિલિન્ડર બે કિલો, ચાર કિલો, છ કિલોમાં ઉપલબ્ધ છે. સિલિન્ડરની પીન ખોલી દેતાં એક સાથે જ તમામ કલર ઠલવાઈ જાય છે.શહેરની લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, જાણીતા ક્રિકેટરોના સ્ટીકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઇ છે. રૂપિયા 30થી માંડી 1500 સુધીની પિચકારીઓ બાળકોના મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે.વિવિધ રંગોના પેકેટ- ડબ્બા, પ્રાકૃતિક રંગોના પેકેટ, હીરાકણીની ડબ્બીઓ અને ફુગ્ગાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. લગ્ન જેવા પ્રસંગોમાં ફૂટતાં ‘કલરફૂલ’ ફટાકડાની આઈટમ તેમજ બંદૂકમાંથી નીકળતા કલર આ વર્ષે પણ બજારમાં અવનવા સ્વરૂપે આવી ગયા છે. બંદૂકના ધડાકા સાથે ફૂટતા ઉડતાં કલર, સિલિન્ડર કલર્સ, ઇલેક્ટ્રિક પિચકારીઓ, ફૂગ્ગા સાથે રંગ-રસિયા મોજ-મસ્તીમાં આવી જાય છે.તમામ તહેવારો અને ઉત્સવોમાં જગ્યા રાખી વેપાર કરતાં વિજયભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે વેપારીઓના મંડપ, લારીઓ છે. મોંઘવારીના કારણે આગળથી જ માલ-સામાન ઓછો આવી રહ્યો છે. આ વર્ષે હોળી ધૂળેટી પર્વે છેલ્લી ઘડીએ ગ્રાહકો વધશે એવી આશા છે.શહેરના જુદા-જુદા બજારમાં ધાણી, મમરા, ખજૂર અને રંગબેરંગી હારડા જેવી હોળીની ખાદ્ય સામગ્રીનું વેચાણ શરૂ થઇ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)