મુસ્લિમ પૃષ્ઠભૂમિને કારણે સાધુને મઠમાંથી કાઢી મુકાયો

બેંગલુરુઃ કર્ણાટકના ચામરાજનગર સ્થિત એક મઠમાં સોમવારે 22 વર્ષના એક સંતને પોતાનું પદ છોડવું પડ્યું. તેનું કારણ એ રહ્યું કે ગ્રામજનોએ જાણી લીધું કે લિંગાયત સંતની પૃષ્ઠભૂમિ મુસ્લિમ સમુદાયથી છે. જેને કારણે લોકોએ બસવ દીક્ષા અને તેની નિયુક્તિ પર વાંધો ઉઠાવ્યો અને અંતે તેને મઠમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

લિંગાયત મઠના આ સંતનું નામ નિજલિંગ સ્વામી છે, જેમણે ગુંડલુપેટ તાલુકામાં એક વર્ષ જૂના મઠના મહંત તરીકે માત્ર છ અઠવાડિયા સુધી સેવા આપી હતી. નિજલિંગે પાંચ વર્ષ પહેલાં એટલે કે 17 વર્ષની ઉંમરે ધાર્મિક દીક્ષા લીધી હતી અને મૂળ રૂપે તેઓ કર્ણાટકના યાદગીર જિલ્લાના રહેવાસી છે.

આધાર કાર્ડથી ખૂલ્યું રહસ્ય

નિજલિંગને લઈને વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે થઈ હતી, જ્યારે એક સ્થાનિક વ્યક્તિએ તેમનું આધાર કાર્ડ જોઈ લીધું હતું. આમાંથી તેમની જૂની ઓળખ બહાર આવી, જેમાં તેમનો ધર્મ ઇસ્લામ નોંધાયેલો હતો. આ જાણકારી બહાર આવતાં ભક્તોના એક વર્ગે વિરોધ નોંધાવ્યો અને દાવો કર્યો કે તેમને નિયુક્તિ પહેલાં સંતની પૃષ્ઠભૂમિ વિશે જાણ ન હતી.

નિજલિંગ સ્વામીએ જણાવ્યું હતું કે તેમનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં “મોહમ્મદ નિસાર” તરીકે થયો હતો. તેઓ નાની ઉંમરમાં જ બસવન્ના અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયા હતા. હું પણ અન્ય કોઈ લિંગાયતની જેમ પૂજા-અર્ચના કરતો હતો. મારાં માતા-પિતા ડરી ગયાં હતાં અને મને મદરેસામાં ભણવા મોકલ્યો હતો, પરંતુ ત્યારથી મારું જીવન બદલાયું અને 17 વર્ષની ઉંમરે મેં લિંગાયત બનવા માટે દીક્ષા લીધી હતી, એમ તેણે જણાવ્યું હતું.

મઠ માટે ઓસ્ટ્રેલિયને આપી જમીન

ઓસ્ટ્રેલિયામાં રહેતા મહાદેવ પ્રસાદ નામની એક વ્યક્તિએ ચામરાજનગર જિલ્લાના ચૌડાહલ્લી ગામમાં એક મઠ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. આ જગ્યા પર ગુરુમલ્લેશ્વર શાખા મઠની સ્થાપના કરાઈ હતી અને ત્યાર બાદ નિજલિંગ સ્વામીને તેનું વડપણ સોંપાયું હતું.