“માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી” એક અનોખો પ્રોજેક્ટ!

અમદાવાદ: નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટને બે વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે અમદાવાદ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટને અમદાવાદ યુનિવર્સિટી અને પ્રો. અંકુર સરીન અને તેમની ટીમ તથા આઈ. આઈ. એમ.નો સહયોગ છે. વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલા MGUA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુજરાતી અને પ્રાદેશિક માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્તમ અંગ્રેજી વિવિધ એક્ટિવિટી દ્વારા ભણે તેવો છે.માતૃભાષાના પ્રભુત્વને યથાતથ રાખી અંગ્રેજી ભાષાને પણ આવકારવાના અભિગમ સાથે કાર્યરત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાના કારણે કોઈ બાળક ભવિષ્યમાં રોજગારની તકોથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખે છે. UN દ્વારા આપવામાં આવેલા Sustainable Development Goals અને NEP 2020 બંને સાથે તાલમેલ જાળવીને આ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, ૧૨ શાળાઓ અને આશરે ૧૨૦૦ વિદ્યાર્થીઓ પહેલેથી જ કાર્યક્રમની અભિનવ પદ્ધતિથી અભ્યાસ કરી રહ્યા છે. હવે, વધતી જતી માન્યતા અને સમર્થન સાથે, MGUA પ્રોજેક્ટ રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ કરી રહ્યો છે. જેમાં ‘સેવા’ જેવી સંસ્થાઓ સહયોગ આપી રહી છે. હાલમાં દેશના ચાર રાજ્યોમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે. 

MGUAના દ્વિતીય વાર્ષિક પુરસ્કાર અને સન્માન સમારોહમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલી શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. જે શાળા, શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવી હતી, તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના આદરણીય વ્યક્તિત્વો પ્રફુલ અનુભાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, ડો. રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ પારેખ અને ડો. મિથુન ખાંડવાલાએ ઉપસ્થિત રહી સૌને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેની અસર ગુજરાતથી શરૂ થઈને સમગ્ર ભારતમાં વિસ્તરે તેવું જાણીતા શિક્ષણવિદો માને છે.