જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF જવાનો પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમાંથી બે જવાનોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

મળતી માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 2:15 વાગ્યે બની હતી. જ્યારે CRPFના જવાનો એક નાકા પર સુરક્ષા ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘાયલ જવાનોને વધુ સારવાર માટે અનંતનાગ જિલ્લાના એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શરૂઆતમાં 46મી બટાલિયનના CRPF કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી, જોકે બાદમાં CRPF દ્વારા નાકા પર તૈનાત જવાનો પર હુમલો થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેર્યો

હુમલાની જાણ થતાં જ કુલગામ ક્વિક રિએક્શન ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાની તપાસ કરી રહી છે. હાલ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણો જાણવા માટે તપાસ ચાલી રહી છે.