દિવાળીમાં દીવડા ઝળહળે ને અંધકાર જાણે અજવાળા સામે ઘૂંટણિયે પડે, પણ આ જગતમાં કેટલાક દીવા એવા પણ છે, જેની વાટ કોઈ પૂજાની થાળીમાં નથી હોતી… એ તો કોઈના હૃદયમાં, કોઈના નિરાશ મનમાં, કોઈની એકલતામાં, કોઈની લાચારીમાં તો કોઈના જીવનસંઘર્ષની કાળી રાતમાં પ્રગટે છે!
એ કોઈના અંધકારભર્યા રસ્તે આશાનું એક નાનકડું કિરણ બનીને ઊભા રહે છે.
આ દિવાળીએ, વાત કરીએ આવા કેટલાક આવા દીવડાની, જેમણે પોતાની સંવેદનાના અજવાસથી બીજાનાં જીવનમાં ઉજાસ રેલાવ્યો છે…
ભાવનગરના લાભુભાઈ સોનાણીએ સાડાત્રણ વર્ષની ઉંમરે ટાઈફોઈડની બીમારી અને ઝામરના કારણે આંખોનાં અજવાળાં ગુમાવ્યાં. દેખાતી દુનિયા ધીમે ધીમે અંધકારમાં લુપ્ત થઈ ગઈ. જો કે, અંતર દ્ષ્ટિ અને આત્મવિશ્વાસનાં અજવાળાં તો ઝળહળતાં જ હતાં. ૧૯૭૧નું એ વર્ષ… લાભુભાઈએ તરસમિયા ગામની શાળામાં સામાન્ય બાળકો સાથે ભણવાનું શરૂ કર્યું. થોડાં વર્ષ બરાબર ચાલ્યું, પણ એક દિવસ…
એ દિવસે ગામના રામજી મંદિરે ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાનાં બાળકોના કાર્યક્રમનું આયોજન થયું હતું. નાનો લાભુ પણ ત્યાં પહોંચી ગયો. કાર્યક્રમમાં લાભુના એક સંબંધીનો પ્રજ્ઞાચક્ષુ દીકરો ભાગ લઈ રહ્યો હતો. કાર્યક્રમ બાદ લાભુના પિતા ટપુભાઈએ લાભુને પણ અંધ ઉદ્યોગ શાળામાં મોકલવાનો નિર્ણય લીધો. નવ વર્ષના લાભુ માટે આ એક મહત્વનો વળાંક હતો. તે વખતે એને અંદેશો પણ નહોતો કે જે શાળામાં એ ભણવા આવ્યો છે એ જ શાળામાં પોતે પ્રજ્ઞાચક્ષુઓનાં જ્ઞાનદીપ ઉજાળશે.
લાભુએ ધોરણ ૭ સુધી અહીં અભ્યાસ કરી ધોરણ આઠથી સામાન્ય બાળકોની શાળામાં પ્રવેશ મેળવ્યો. ધોરણ ૧૦-૧૧-૧૨ અમદાવાદના અંધજન મંડળમાં ભણ્યા. અહીં એ ગુજરાત ફર્સ્ટ રહ્યા. ૧૨મું પાસ કરી ભાવનગરની વળિયા કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષય સાથે અભ્યાસ શરૂ કર્યો, સંગીત વિશારદ પણ થયા.
૧૯૯૨માં લાભુભાઈને ભાવનગર અંધજન મંડળમાં કામ કરવાની ઑફર મળી. કામ શરૂ પણ કર્યું, પરંતુ નસીબે કંઈ જુદું વિચાર્યું હતું. ત્રણ-ચાર દિવસ અન્ય અંધજનોની પીડા અને વેદના જોઈ દ્રવી ઊઠેલા લાભુભાઈએ નક્કી કર્યું કે આવા લોકોનાં જીવનમાં સુવિધા અને શાંતિના સૂર રેલાવી શકું તો સાચો સંગીત શિક્ષક.
-અને કારકિર્દી શરૂ કર્યાના પાંચમા જ દિવસે એમણે સરકારી નોકરી છોડી અંધજનો માટે જીવન સમર્પિત કરવાનું વિચાર્યું. દિવ્યાંગો માટે કામ કરતા અને હીરાપારખુ એવા અનંતભાઈ શાહ (બાબાભાઈ)ની નજર આ હીરા પર પડી, એમણે લાભુભાઈને મોટા ફલક પર કામ કરવા આમંત્રણ આપ્યું… ૧૯૯૫થી તો અંધ ઉદ્યોગ શાળાનો હવાલો તેમને સોંપી દીધો. આ એ જ શાળા હતી, જ્યાં લાભુભાઈએ એકડો ઘૂંટ્યો હતો. પ્રજ્ઞાચક્ષુઓ માટે કંઈ કરી છૂટવાના વિચાર અને સુચારુ સંચાલનની દ્રષ્ટિ સાથે લાભુભાઈએ ધુરા સંભાળી અને ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો નવો અધ્યાય શરૂ થયો.
છેલ્લાં ૨૭ વર્ષ દરમિયાન ૮૦૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ તેમના હાથ નીચે તૈયાર થયા, જેમાંથી ૧૫૦ જેટલા અંધજનો સરકારી નોકરીએ લાગ્યા, અન્ય ૧૦૦થી વધુ પ્રજ્ઞાચક્ષુઓ કૉર્પોરેટ અને અન્ય ખાનગી પેઢીમાં કાર્યરત છે તો બીજા સ્વરોજગાર સાથે આત્મનિર્ભર છે. માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ કલા, સાહિત્ય, રમતગમત ક્ષેત્રે એમણે પ્રજ્ઞાચક્ષુ બાળકોને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જઈ એમના જીવનમાં ઉજાસ પાથર્યો.
આજે લાભુભાઈ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની દિવ્યાંગોની સંસ્થાઓમાં હોદ્દેદાર છે, પરંતુ વિશેષ બાબત એ છે કે બ્રેઈલ લિપિ સિવાયનું સામાન્ય પુસ્તક વાંચી પણ ન શકનારા લાભુભાઈ સોનાણીએ પચીસ પુસ્તકો લખ્યાં છે.
આજે ૫૯ વર્ષની વયે વિવિધ સંસ્થાના સંચાલન ઉપરાંત અન્નદાન યોજના, સંવેદના સોસાયટી, અંધજનોના સમૂહ લગ્ન જેવા સફળ ઉપક્રમના આયોજક લાભુભાઈ અનેક અંધજનોના જીવનમાં લાભ-શુભ લખી રહ્યા છે અને સંવેદનાનો દીપ પ્રગટાવી અજવાળાં પાથરી રહ્યા છે. એક હિંદી સિનેમાના ગીતની પંક્તિ ટાંકતાં એ કહે છે, ‘સૂરજ ના બન પાયે તો, બનકે દીપક જલતા ચલ…’
(જયેશ દવે – ભાવનગર)






