જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓને વિસ્તારમાં મોકલવામાં આવી છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે.

હુમલામાં ભારતીય વાયુસેનાના 5 જવાન ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય વાયુસેનાના ગરુડ વિશેષ દળને ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો આ ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં લાગેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ જવાનોને સારવાર માટે ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. એરફોર્સના વાહનોના કાફલા પર થયેલા હુમલાની તસવીરો સામે આવી છે. જેમાં એરફોર્સના વાહન પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે.

વાયુસેનાએ કહ્યું કે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં શાહસિતાર પાસે ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. સ્થાનિક સૈન્ય એકમો દ્વારા આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કાફલાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.