જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં 3 બિન-કાશ્મીરી મજૂરોના મોત થયા છે જ્યારે 2 ઘાયલ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં સુરંગના નિર્માણ પર કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે અન્ય ઘાયલ થયા છે. આતંકી હુમલા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા વારંવાર ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બની રહી છે. બે દિવસ પહેલા શોપિયાંમાં આતંકીઓએ આવી જ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યાં એક બિન-કાશ્મીરી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને માત્ર 48 કલાક જ થયા છે કે આતંકવાદીઓએ ગાંદરબલમાં બે બિન-કાશ્મીરી મજૂરોની હત્યા કરી નાખી.
સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા
એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ગગનગીરમાં જમ્મુ-કાશ્મીર સિવાયના રહેવાસીઓ પર હુમલો કર્યો જેમાં 3 મજૂરો માર્યા ગયા અને 2 અન્ય ઘાયલ થયા. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે આ વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.