UPના ફતેહપુરમાં મકબરા-મંદિર વિવાદથી વધ્યું ટેન્શન

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આવેલા એક મકબરા અંગે મોટો વિવાદ ઊભો થયો હતો. હિંદુ સંગઠનોના સભ્યોએ મકબરામાં કથિત રીતે તોડફોડ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ વિવાદાસ્પદ માળખું એક મંદિર પર બનાવવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને આખા વિસ્તારમાં ભારે પોલીસ અને PAC દળ તૈનાત કરી દીધા છે. આ વિવાદાસ્પદ સ્થળની આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

મુખલાલ પાળના નેતૃત્વમાં હિંદુ જૂથોએ નવાબ અબ્દુલ સમદના મકબરાની અંદર એક શિવ મંદિર હોવાનો દાવો કર્યો હતો અને પૂજા કરવાની યોજના બનાવી હતી. એ કારણે ત્યાં વિવાદ ઊભો થયો. સોમવાર સવારે ફતેહપુરના વિવાદાસ્પદ સ્થળે પૂજા-અર્ચના કરવા માટે હિંદુ સંગઠનોના હજારો લોકો ભેગા થયા. તેમણે જબરદસ્તી પહેલી બેરિકેડ પાર કરી લીધી, જ્યારે બીજી બેરિકેડ પર પોલીસ દળે તેમને રોકી દીધા હતા. હિંદુ સંગઠનો આ સ્થળને મંદિર ગણાવે છે, જ્યારે મુસ્લિમોએ તેને મકબરો જાહેર કર્યો છે. આ વિવાદ સદર તાલુકાના રેડિયા વિસ્તારના અબુનગરમાં આવેલા માળખા અંગે છે.

મુખલાલ પાળે કહ્યું હતું કે અમારા મંદિરના સ્વરૂપને મસ્જિદમાં બદલી દેવામાં આવ્યું છે. અમે સનાતન હિંદુઓ તેને સહન નહીં કરીએ. કમળનું ફૂલ અને ત્રિશૂલ જેવા સ્પષ્ટ નિશાન છે. અમે કોઈ પણ કિંમતે મંદિરમાં પૂજા-અર્ચના કરીશું.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રશાસને સ્વીકાર્યું છે કે આ માળખું ક્યારેય મંદિર હતું અને ચેતવણી આપી કે જો પૂજા કરવાથી રોકવામાં આવશે તો સરકાર જવાબદાર રહેશે. તેમણે કહ્યું હતું  કે અમે શાંતિપ્રિય લોકો છીએ, પરંતુ જો અમારે અમારા ધર્મ માટે લડવું પડે, તો અમે દરેક રીતે તૈયાર છીએ. આ વિવાદ કથિત રીતે 1,000 વર્ષથી પણ વધુ જૂનો છે.