રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો, ઠંડીનો ચમકારો જોવા મળ્યો

ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને હજી પણ આગામી સમયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે, વાતાવરણમાં ભેજ વધતા ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ 16 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, નલિયામાં સૌથી ઓછું 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગાંધીનગર, વડોદરા, કંડલામાં 15-15 ડિગ્રી તાપમાન, અમરેલી,રાજકોટ,કેશોદમાં 15-15 ડિગ્રી તાપમાન, ડીસામાં 15,મહુવામાં 16 ડિગ્રી, અમદાવાદમાં 17, સુરતમાં 19 ડિગ્રી, દમણમાં 18, ભુજમાં 17, દીવમાં 16.7 ડિગ્રી, પોરબંદરમાં 16, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે તો હજી વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે સવારે ઠંડી અને દિવસે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બરના આરંભથી જ રાજ્યના ન્યૂનતમ તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો અને તાપમાન ઘણું નીચું જતું રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું.

હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. રાજ્યમાં 18 નવેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પરેશાન સિસ્ટમ બનવાની સંભાવના છે. આ ઉપરાંત, 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે.