તેજસ્વી યાદવ જ હશે મહાગઠબંધનના CM પદના ઉમેદવાર

પટનાઃ પટનામાં મહાગઠબંધનના દિગ્ગજ નેતાઓનો જમાવડો છે. મહાગઠબંધન એલાન કરી શકે છે કે તેજસ્વી યાદવ મહાગઠબંધ તરફથી CM પદના ઉમેદવાર છે. RJDની એ માગ છે કે તેજસ્વી યાદવનું નામ CM ફેસ તરીકે જાહેર કરવામાં આવે, જેથી ચૂંટણીમાં લાભ મળી શકે. એ મુદ્દે  પટનાની હોટેલ મૌર્યામાં મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે તેજસ્વી યાદવના મુખ્ય પ્રધાન પદની ઉમેદવારી પર મહોર લાગી શકે છે. એટલે કે તેજસ્વી યાદવને સીએમ ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર કરવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ મહાગઠબંધન “ચાલો બિહાર, બદલીએ બિહાર”નું સૂત્ર આપશે.

મહાગઠબંધનમાં બેઠક વહેંચણીRJDએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસને 61, VIP પાર્ટીને કુલ 9 બેઠકો, જ્યારે ડાબેરી પક્ષોને  કુલ 30 બેઠકો મળી છે. સત્તાવાર યાદી સિવાય પણ મહાગઠબંધનના સાથીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

VIPને નવ બેઠકો મળી છે, પરંતુ તેણે 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. એ જ રીતે, CPIને 6 બેઠકો મળી છે, પરંતુ તેણે નવ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. (CIPM)ને 4 બેઠકો મળી છે, પરંતુ તેણે છ ઉમેદવારોને ઉમેદવારી નોંધવાની મંજૂરી આપી છે. હાલ મહાગઠબંધનની કુલ ઉમેદવાર યાદી 243થી વધી 254 થઈ ગઈ છે. જોકે દાવો કરવામાં આવી રહ્યો છે કે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ પહેલાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.