૧૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કર્યો વડનગરનો પ્રવાસ : પ્રવાસન નિગમે પૂરી પાડી સુવિધાઓ

ગાંધીનગર: સદવિચાર પરિવાર વિકલાંગ ટ્રસ્ટ, ઉવારસદ દ્વારા આશરે ૧૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વડનગરના એક વિશેષ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન દિવ્યાંગ બાળકોને ઉત્કૃષ્ટ પર્યટન અનુભવ મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો.પ્રવાસન નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ પરિવહન, તજજ્ઞ ગાઈડની સેવા, પૌષ્ટિક ભોજન તેમજ વિવિધ ઐતિહાસિક સ્થળોની પ્રવેશ ટિકિટ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.મુલાકાત દરમિયાન દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વડનગરના પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળીને ગૌરવશાળી ઇતિહાસ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. શાળા સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ તરફથી ગુજરાત પ્રવાસન નિગમના આ સરાહનીય પ્રયાસને ઉત્સાહભર્યો અને અત્યંત સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો.