ભારતીય કેપ્ટન સ્મિત મછારને સાઉદી અરેબિયાથી એરલિફ્ટ કરી દુબઈ ખસેડાયા

દુબઈ / રિયાધ: ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટના હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા બહાદુર ભારતીય કેપ્ટન સ્મિત મછાર (Captain Smit Machchhar)ને વધુ અને અદ્યતન તબીબી સારવાર માટે સાઉદી અરેબિયાથી દુબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં મધ્ય આકાશમાં કો-પાયલોટે કેપ્ટન સ્મિત પર ચાકુથી હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્યંત ગંભીર રીતે લોહીલુહાણ થવા છતાં કેપ્ટન સ્મિત મછારે અદ્ભુત સાહસ બતાવી કોકપિટનો દરવાજો ખોલ્યો હતો, જેનાથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અંદર આવીને હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા હતા. આ ઘટના બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

તબૂકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અને સર્જરી બાદ, ફ્લાયદુબઈ દ્વારા કેપ્ટન સ્મિત મછારને એર એમ્બ્યુલન્સ મારફતે સાઉદી અરેબિયાથી દુબઈની વિશેષ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

એરલાઇન પ્રવક્તા અને ભારતીય એમ્બેસી દ્વારા માહિતી આપવામાં આવી છે કે કેપ્ટન સ્મિતની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેઓ તબીબી દેખરેખ હેઠળ રિકવર થઈ રહ્યા છે. ૧૭૪ મુસાફરોના જીવ બચાવવા બદલ ભારતીય પાયલોટની આ બહાદુરીને વિશ્વભરમાં બિરદાવવામાં આવી રહી છે.