તારક મહેતા ફેમ ગુરુચરણ સિંહે જણાવી આપવીતી

મુંબઈ: એપ્રિલ 2024માં જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ફેમ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ગુમ થયા ત્યારે સમગ્ર જગ્યાએ તેમની ચર્ચા થઈ હતી. ચાહકો અને પરિવારજનોને આઘાત લાગ્યો હતો અને પિતાએ પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિશે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, તેના પચીસેક દિવસ પછી ગુરુચરણ સિંહ પોતે ઘરે પાછા ફર્યા હતાં અને કહ્યું કે થોડું કામ બાકી છે તે પૂર્ણ થયા પછી બધું તે વિગતવાર જણાવશે. હવે પહેલીવાર ગુરુચરણ સિંહે તેમના ગુમ થવા અંગે ખુલ્લેઆમ વાત કરી છે અને જણાવ્યું છે કે તેઓ ક્યાં ગયા હતા અને શા માટે?

ઘણા લોકોએ દાવો કર્યો હતો કે ગુરુચરણ સિંહનું ગુમ થવું એક પબ્લિસિટી સ્ટંટ હતો. અભિનેતાએ આનો પણ જવાબ આપ્યો. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીના પાલમથી મુંબઈ જવાના હતા અને તેમની ફ્લાઈટ હતી. તે દિલ્હી એરપોર્ટ માટે ઘરેથી નીકળયા હતા, પરંતુ મુંબઈની ફ્લાઈટ પકડી ન હતી અને ગુમ થઈ ગયા હતા. તેણે પોતાનો ફોન પણ ઘરે મૂકી દીધો હતો.

પરત ફર્યા બાદ ગુરુચરણ સિંહે પોલીસને જણાવ્યું કે તે કેટલીક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા અને આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા હતા. હવે ગુરુચરણ મુંબઈમાં છે અને તેમના ગુમ થવાની વાત કરી છે. તેણે ‘બોમ્બે ટાઈમ્સ’ને કહ્યું, ‘મહામારી બાદ ઘણી એવી વસ્તુઓ થઈ છે જેણે મને અસર કરી છે. હું મુંબઈ છોડીને 2020 માં દિલ્હી પાછો ગયો કારણ કે મારા પિતાની સર્જરી થઈ રહી હતી. તે પછી મેં મારા પોતાના દમ પર ઘણા વ્યવસાયો શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી એક પણ શરૂ થયો નહીં. કાં તો કામ યોગ્ય રીતે થયું ન હતું અથવા તો મેં જેમની સાથે હાથ મિલાવ્યો તે લોકો ગાયબ થઈ ગયા. અમારો પ્રોપર્ટીનો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને તેના માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. તેથી આ બધાને કારણે મારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી અને હું ખૂબ જ પરેશાન થઈ ગયો.’

ગુરુચરણ સિંહે વધુમાં કહ્યું, ‘મારા માતા-પિતાને કારણે હું હંમેશા આધ્યાત્મિક રહ્યો છું અને જીવનના આ તબક્કે જ્યારે હું હતાશ અનુભવતો હતો, ત્યારે હું ભગવાન તરફ વળ્યો હતો. હું આધ્યાત્મિક યાત્રા પર ગયો હતો અને પાછા આવવાની કોઈ યોજના નહોતી. પરંતુ ભગવાને મને એક સંકેત આપ્યો અને તેણે મને ઘરે પાછા ફરવા દબાણ કર્યું. ઘણા લોકો એવું વિચારે છે કે મેં પબ્લિસિટી સ્ટંટ માટે ગાયબ થવાની યોજના બનાવી હતી, પરંતુ તે સાચું નથી. જો મારે પબ્લિસિટી જોઈતી હોય તો મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે ઈન્ટરવ્યુ આપ્યા હોત, જેના માટે મને લાંબા સમયથી મારા લેણાં મળ્યા નથી. હું આ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શક્યો હોત પરંતુ મેં ન કર્યું.’

ગુરુચરણ અહીં જ ન અટક્યા અને આગળ કહ્યું, ‘ઘરે પાછા આવ્યા પછી પણ મેં કોઈ ઈન્ટરવ્યુ આપ્યો નથી. પરંતુ હવે હું બોલી રહ્યો છું કારણ કે હું કેટલીક બાબતોને સાફ કરવા માંગુ છું જે લોકો મારા વિશે કહી રહ્યા છે. હું ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી સહકાર માંગું છું. હું પાછો આવ્યો છું અને કામ કરવા માંગુ છું. હું મારી બધી લોન ચૂકવવા માંગુ છું, અને તે ફક્ત કામ દ્વારા જ થઈ શકે છે. હું સખત મહેનત કરવા તૈયાર છું. મને સમજાયું કે હું જીવનમાં મારી અન્ય જવાબદારીઓ નિભાવતી વખતે પણ મારી આધ્યાત્મિક યાત્રા ચાલુ રાખી શકું છું. ગુરુચરણ સિંહે 2013માં ‘તારક મહેતા’ છોડી દીધી હતી, પરંતુ 2014માં પરત ફર્યા હતાં. જોકે, વર્ષ 2020માં તેણે એક્ટિંગથી દૂરી બનાવી લીધી હતી.