CM શિંદે અને તેમના મંત્રીઓને કરોડોના બિલ અંગે કંપનીએ મોકલી નોટિસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે નવા વિવાદમાં ફસાયા છે. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ રૂ. 1.58 કરોડનું બિલ ચૂકવ્યું નથી. સ્વિસ કંપનીએ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ને કાનૂની નોટિસ મોકલી છે. એવામાં વિપક્ષ આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવામાં લાગી ગઈ છે.

સીએમ શિંદે અને તેમના મંત્રીઓ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીમાં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં WEFની મુલાકાત દરમિયાન સીએમ એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓને આપવામાં આવેલી સેવાઓ માટે કંપની દ્વારા આ બિલ આપવામાં આવ્યું હતું. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ આ બિલના પૈસા ચૂકવ્યા નથી. હવે આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે.

ઓગસ્ટમાં નોટિસ મળી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ 28 ઓગસ્ટની નોટિસમાં આરોપ છે કે રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) એ પેઢીને રૂ. 1.58 કરોડ ચૂકવ્યા નથી. MIDC, CM ઓફિસ, વિદેશ મંત્રી એસ જયશંકર, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અને અન્યને આપવામાં આવેલી નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ છે, જ્યારે MIDC દ્વારા 3.75 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે.

સ્વિસ ફર્મે 15-19 જાન્યુઆરી દરમિયાન આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પૂરી પાડવામાં આવેલ તમામ સેવાઓના બિલ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે.

આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા

મહા વિકાસ આઘાડી (MVA) વિપક્ષ, ખાસ કરીને શિવસેના (UBT) ના આદિત્ય ઠાકરે અને NCP ના રોહિત પવાર જેવા નેતાઓએ શિંદે સરકારની ટીકા કરી છે. આદિત્ય ઠાકરેએ સરકાર પર દાવોસ પ્રવાસ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજ્યના નાણાકીય વ્યવહારોમાં જવાબદારી અને પારદર્શિતાની માંગણી કરી હતી.