પહલગામ હુમલા બાદ તાબડતોબ કાર્યવાહી

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ થઈ ગઈ છે. આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી ચાલુ રાખતા, અધિકારીઓએ બાંદીપોરા, પુલવામા અને શોપિયા જિલ્લામાં ત્રણ સક્રિય આતંકવાદીઓના ઘરો બુલડોઝરથી તોડી પાડ્યા. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે આતંકવાદી રેન્કમાં જોડાયેલા આતંકવાદી અદનાન શફીનું ઘર શનિવારે રાત્રે શોપિયન જિલ્લાના વાંદીનામાં તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પુલવામા જિલ્લામાં અન્ય એક સક્રિય આતંકવાદી આમિર નઝીરનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું હતું.

બાંદીપોરા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જમીલ અહેમદ શેરગોજરીનું ઘર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. શેરગોજરી 2016 થી સક્રિય આતંકવાદી છે. આ સાથે, પહેલગામ હુમલા પછી અત્યાર સુધીમાં આતંકવાદીઓ અને તેમના સહયોગીઓના નવ ઘરો તોડી પાડવામાં આવ્યા છે. મંગળવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે તેમનો (પહલગામના હુમલાખોરોનો) પૃથ્વીના છેલ્લા ખૂણા સુધી પીછો કરીશું.”

તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી દીધી છે. દરમિયાન, પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. સેનાના સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટર અને બારામુલ્લા જિલ્લાના બોનિયાર સેક્ટરથી સતત ત્રીજી રાત્રે ગોળીબાર કર્યો હતો. સેનાએ “યોગ્ય નાના હથિયારોથી ગોળીબાર કરીને અસરકારક રીતે જવાબ આપ્યો.”