ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલ્સમાં ઉછાળો, રાત્રે 9 વાગ્યા સુધીમાં 5 હજાર કેસ

ગાંધીનગર: ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી સેવાઓ મોડી રાત સુધી ચાલુ રહી. રાજ્યના રસ્તાઓ પર ઈમરજન્સી ગાડીઓ દોડી રહી હતી. પતંગોત્સવની ઉજવણી વચ્ચે ઉતરાયણની રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 5 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે.

આ વર્ષે 734 કેસનો વધારો નોંધાયો

ગત વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ 4,266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે તેમાં 734 કેસનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ ઉત્તરાયણ દરમિયાન વધતા અકસ્માતો અને ઇજાઓની ગંભીરતા દર્શાવે છે.

ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત

ઉત્તરાયણના પર્વમાં લોકો ઘરના ધાબા તેમજ બિલ્ડિંગોની છત પર ચડી પતંગબાજીની મજા માણી રહ્યા છે. જો કે આ મજા કેટલાક લોકો માટે મોતની સજા સાબિત થઈ. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ બનેલી દુર્ઘટનાઓમાં વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત કુલ ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા.

પતંગ પકડવા જતાં બે લોકોએ જીવ ગુમાવ્યો

પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અરવલ્લીના બાયડ પાસેના ચોઇલા ગામમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત

વડોદરામાં પણ પતંગ પકડવાની લહાયમાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સતત બની રહેલી આવી ઘટનાઓને લઈ પ્રશાસન અને પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તેમજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.

મુખ્ય શહેરોમાં સૌથી વધુ અસર

રાજ્યના મહાનગરોમાં પતંગબાજીનો ક્રેઝ વધુ હોવાથી ઈમરજન્સી કોલ્સની સંખ્યા પણ ત્યાં વધુ જોવા મળી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 108ની ટીમો સતત કાર્યરત રહી હતી.