અમેરિકામાં બની, પાણીની સપાટીની નીચે નરેન્દ્ર મોદીની રંગોળી

સુરત: દિવાળી અને બેસતાવર્ષના દિવસે આંગણે રંગોળી પૂરવાની એક પરંપરા છે. રંગોળી કરોઠી, ફુલ, મીઠું ,રેતી, લાકડાનો વ્હેર, જુદા-જુદા કઠોળ કે ચોખાની મદદથી પણ બનાવી શકો છો. તૈયાર રંગોળી એક્રેલિકની શીટ, પ્લાસ્ટિકની સીટ અથવા તો પ્લાયની સીટ પર પણ મળે છે. આજે આપણે પાણીની નીચે રંગોળી માણીએ. મૂળ સુરતી અને હાલ અમેરિકા રહેતા રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશ દ્વારા આ રંગોળી બનાવાઈ છે. આ વખતે એમણે નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી છે.હેમંતી જરદોશે અમેરિકાથી ચિત્રલેખા.કોમ સાથે ફોન પર પાણીની સપાટી નીચે રંગોળી બનાવવાની રીત જણાવતા કહ્યુ કે, સૌ પ્રથમ સ્ટીલ અથવા કાચની અથવા પ્લાસ્ટિકની ડીશ લો. જો રંગોળી મોટી બનાવવી હોય તો મોટું વાસણ પણ લઈ શકો છો. હવે તેની સપાટી ઉપર તેલ કે દિવેલ લગાવી પાતળું પડ તૈયાર કરો અને તેના પર ચોકની મદદથી ડિઝાઇન તૈયાર કરો અથવા પેન્સિલની મદદથી પહેલા ડિઝાઇન તૈયાર કરી શકો છો. હવે જુદા-જુદા રંગોની કરોઠી લઈ આ દોરેલી ડિઝાઇન પર રંગોળી તૈયાર કરો.

તમે જે દોરો છો કે જે રંગ ઉમેરો છે એ ફાઇનલ પ્રોડક્ટ છે એમ સમજી લો. આમાં ભૂલ સુધારવાનો અવકાશ નહીવત્ છે. રંગોળી તૈયાર થઈ ગયા બાદ ૩૦ થી ૪૦ મિનિટ રંગોને રહેવા દો. ત્યારબાદ થાળીમાં કે વાસણમાં ધીમે ધીમે એક સાઈડથી પાણી ઉમેરો. થાળીમાં તેલ કે દિવેલ લગાડેલું હોવાથી પાણી રેડવા છતાં કરોઠી/ રંગો થાળીમાં જ ચોંટી રહેશે. આ રીતે તૈયાર કરી શકશો, પાણીની અંદર એક આકર્ષક રંગોળી.આ રંગોળી તમારી કાયમ માટે સચવાઈ રહેશે. એમાંથી પાણી કાઢીને સાચવીને રાખી શકો અને જરૂર પડે ત્યારે પાણી નાખીને તમે બતાવી શકો છો. અલબત્ત રંગ તેલ સાથે ચોંટેલા હોય છે એટલે તમે અડકો એટલે ખરાબ થઈ શકે છે. એકબીજામાં રંગો ભળતા હોવાથી આ રંગોળી બનાવનાર વ્યક્તિને રંગોના મિશ્રણનો ખ્યાલ હોય એ જરૂરી છે. આ રંગોળી ૩ થી  વર્ષ સુધી સાચવીને વાપરી શકો છો.હેમંતી જરદોશએ આ વર્ષે અમેરિકામાં નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છે. અગાઉ ગણેશજી, અમિતાભ બચ્ચન વગેરે રંગોળી બનાવી ચૂક્યા છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)