કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં સુરત બેઠક પર મોટો ફટકો પડ્યો છે. સુરત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું વિવાદમાં ઘેરાયેલું ફોર્મ આખરે ચૂંટણી અધિકારીઓએ રદ કર્યું છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી બાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણીયાનાં ટેકેદારો બોગસ હોવાનો દાવો કર્યો હતો. ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનાં તમામ 4 ટેકેદારો ગાયબ થયા હતા. ટેકેદારોને હાજર કરવા કલેક્ટરે રવિવારે સવાર સુધી સમય આપ્યો હતો. ટેકેદારો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભામીની ઉમેદવારી રદ્દ કરાઈ હતી.
ગુજરાતમાં કોંગ્રેસના 23 બેઠક પર જ ઉમેદવાર
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતની 26 બેઠકોમાંથી બે ઈન્ડી ગઠબંધનને આપી હતી અને બાકીની 24 બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં 19 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ત્યાર બાદ 20 એપ્રિલે ચૂંટણી અધિકારીઓએ દરેક ઉમેદવારોના ફોર્મ ચેક કરવાની કામગીરી હાથમાં લીધી હતી. ત્યારે સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં ઘેરાયું હતું. કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારીપત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો, જેના કારણે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં 26 બેઠકમાંથી કોંગ્રેસ 23 બેઠક પર ચૂંટણી લડશે.
કોણે ઉઠાવ્યો વાંધો?
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી ખોટી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરાયો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે આવતીકાલે સવારે 11 વાગ્યે ફોર્મ મુદ્દે કલેક્ટર સમક્ષ સુનાવણી થશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે.