AAP કાર્યકરો ઇન્સ્યુલિન લઈને તિહાર જેલમાં પહોંચ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં AAPના કેટલાક કાર્યકરો અને પાર્ટીના નેતાઓએ તિહાર જેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મંત્રી આતિશી પણ હાજર હતા. વિરોધીઓએ ‘કેજરીવાલને ઇન્સ્યુલિન આપો’ એવા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પ્રદર્શનને લઈને તિહારની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત હતો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિલ્હી પોલીસના જવાનો દરેક ખૂણે ખૂણે તૈનાત હતા.

મંત્રી આતિશીએ કહ્યું- દિલ્હીના લોકોએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે ઇન્સ્યુલિન મોકલ્યું છે. તેઓ છેલ્લા 30 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે અને આજે તેમનું શુગર લેવલ 300 પર પહોંચી ગયું છે. દિલ્હીના લોકો તેમના મુખ્યમંત્રીને લઈને ચિંતિત છે અને તેમણે અરવિંદ કેજરીવાલ માટે ઈન્સ્યુલિન મોકલ્યું છે.


કેજરીવાલનો જીવ જોખમમાં: આતિશી

તેમણે કહ્યું કે ડોક્ટરો તમને કહેશે કે ઇન્સ્યુલિન વિના તેને નિયંત્રિત કરી શકાતું નથી અને જો તિહાર જેલ પ્રશાસન ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરે છે તો અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં છે. આ માટે કોણ જવાબદાર હશે?