સુરતમાં મતદાન નહીં થાય અને થશે પણ!

સુરત: લોકસભા ચૂંટણી-2024માં ભાજપને દેશની પ્રથમ જીત અહીંથી મળી ગઈ છે. ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ત્યારે સુરતના ૧૭.૬૭ લાખ મતદારો મતદાનથી વંચિત રહેશે. જો કે સુરત જિલ્લામાં બારડોલી લોકસભાના ૧૫.૨૪ અને નવસારી લોકસભાના ૧૪.૧૬ લાખ મતદારો હોવાથી આ બન્ને લોકસભાના સુરત જિલ્લામાં રહેતા ૨૯.૪૦ લાખ મતદારો મતદાન કરી શકશે.સુરત શહેર અને જિલ્લામાં કુલ ૧૬ વિધાનસભાનો મત વિસ્તાર છે. જેમાં ઓલપાડ, પૂર્વ સુરત, ઉતર સુરત, વરાછા, કરંજ, કતારગામ અને પશ્ચિમ સુરત આ સાત વિધાનસભામાં આવતા ૧૭.૬૭ લાખ મતદારોએ મતદાન કરવાનું નથી. જયારે આ સિવાયના નવ વિધાનસભા સમાવિષ્ટ મતદારો મતદાન કરી શકશે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભાના કુલ ૧૫.૨૪ લાખ મતદારો બારડોલી લોકસભા માટે જ્યારે લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભાના ૧૪.૧૬ લાખ મતદારો નવસારી લોકસભા માટે મતદાન કરી શકશે.એ રીતે સુરત જિલ્લાની કુલ ૧૬ વિધાનસભા બેઠકના કુલ ૪૭.૦૮ લાખ મતદારોમાંથી સુરત બેઠકના ૧૭.૬૭ લાખ મતદારોને બાદ કરતા બાકીના ૨૯.૪૦ લાખ મતદારો 7મી મેના રોજ પોતાની આંગળી પર શાહી લગાવીને લોકશાહી ઉત્સવમાં ભાગ લઈ શકશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)