નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શેલ્ટર હોમમાં મોકલાયેલા કૂતરાઓને છોડવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. નસબંધી પછી કૂતરાઓને મુક્ત કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે દિલ્હી-NCR સહિત આ નિર્ણય દેશમાં લાગુ પડશે. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાનીમાં ત્રણ જજોની ખંડપીઠે આ નિર્ણય આપ્યો. એ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પણ જાહેર કરી છે.
કોર્ટે કહ્યું છે કે દરેક મ્યુનિસિપલ બ્લોકમાં આવારા કૂતરાઓને ખવડાવવા માટે અલગ જગ્યા બનાવવામાં આવશે. માત્ર નક્કી કરેલી જગ્યાએ જ કૂતરાઓને ખાવાનું આપવામાં આવશે. જાહેર સ્થળોએ આવારા કૂતરાઓને ખવડાવવામાં નહીં આવે. આવું ન કરવાથી કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી રાજધાનીમાં આવારા કૂતરાઓ સંબંધી મુદ્દો ચર્ચામાં રહ્યો છે, કારણ કે 11 ઓગસ્ટે ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાળા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે દિલ્હી મ્યુનિસિપલ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ તમામ વિસ્તારોમાંથી આવારા કૂતરાઓ એકત્ર કરવા શરૂ કરે, સંવેદનશીલ વિસ્તારોને પ્રાથમિકતા આપે તેમ જ આઠ અઠવાડિયામાં ઓછામાં ઓછા 5000 કૂતરાઓની પ્રારંભિક ક્ષમતા ધરાવતાં આશ્રયસ્થળો ઊભાં કરે. આ આદેશમાં કૂતરાઓને ફરી રસ્તાઓ પર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ જ નસબંધી, રસીકરણ અને કૃમિનાશક સારવાર ફરજિયાત કરી તેમ જ આશ્રયસ્થળોમાં CCTV, પૂરતો સ્ટાફ, ભોજન અને તબીબી સારવારની વ્યવસ્થા રાખવાની જરૂરિયાત જણાવી હતી.
કોર્ટે એ પણ જણાવ્યું હતું કે 2024માં દિલ્હીમાં આવા 25,000થી વધુ કેસ નોંધાયા અને માત્ર જાન્યુઆરી 2025માં જ 3000થી વધુ કેસ નોંધાયા હતા. કોર્ટે આદેશમાં પશુ કાર્યકરોની પણ ટીકા કરી અને પશુપ્રેમીઓ દ્વારા મૂળ સમસ્યાને અવગણવા અંગે ચેતવણી આપી હતી. આ આદેશને કારણે પશુ અધિકાર કાર્યકરો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
