નવી દિલ્હી: ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રદર્શન અને સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે સુપ્રીમ કોર્ટ પરિસરમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કેટલાક વકીલોની પોલીસે અટકાયત કરી હતી. આ અટકાયત બાદ ‘સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન’ (SCBA) દ્વારા તાત્કાલિક ધોરણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ની હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી, જેના પગલે CJIએ પોલીસને વકીલોને મુક્ત કરવાના નિર્દેશ આપ્યા હતા.
SCBAના અધ્યક્ષ પ્રદીપ રાઈએ એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને વકીલોની અટકાયતને “ખૂબ જ ચિંતાજનક” ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ મામલો તાત્કાલિક CJIના ધ્યાને લાવવામાં આવ્યો છે અને વકીલોની તાત્કાલિક મુક્તિની માંગ કરવામાં આવી છે. SCBAના સચિવ પ્રજ્ઞા બઘેલે પણ CJIને પત્ર લખીને વકીલોની સુરક્ષા અને અટકાયત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વધતી જતી માગણીઓ અને SCBAની રજૂઆત બાદ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP)એ વકીલોને તાત્કાલિક છોડી મૂકવાની ખાતરી આપી હતી, જ્યારે CJIની સૂચનાથી અટકાયત કરાયેલા વકીલોને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.




