નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે થઈ રહેલા CJPના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે કડક નિયંત્રણો લાદ્યાં છે. જંતર-મંતર પર યોજાનારા પ્રદર્શનને કારણે કોનોટ પ્લેસ, મંડી હાઉસ, જનપથ સહિત સમગ્ર મધ્ય દિલ્હીમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની તહેનાતી કરવામાં આવી છે. તેને કારણે આ વિસ્તારોમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતા કનોટ પ્લેસમાં પણ લોકોની અવરજવર ઘટી છે. સપ્તાહના અંતે ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો થવાની આશંકા છે. તેનું મુખ્ય કારણ દિલ્હી મેટ્રોની સેવાઓ પર પડનારી અસર છે. 57 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રાખવામાં આવનાર હોવાથી વેપારીઓએ કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરી છે. વેપારીઓએ રૂ. 200 કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરી છે.
વિરોધ પ્રદર્શન માટે જંતર-મંતર સિવાય અન્ય સ્થળ ફાળવવાની માગ
વેપારીઓની ચિંતા પાછળ અગાઉના વિરોધ પ્રદર્શનનો અનુભવ પણ છે. અગાઉ CJPના પ્રદર્શન દરમિયાન ચાર દિવસમાં વેપારને 50 ટકા સુધી અસર થઈ હોવાનું વેપારી સંગઠનોએ જણાવ્યું હતું. તે સમયે નુકસાનનો અંદાજ રૂ. 200 કરોડથી રૂ. 400 કરોડ સુધી મૂકવામાં આવ્યો હતો.

વેપારી સંગઠનોને મતે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવતાં નિયંત્રણો વેપારને અસર કરવાનું મુખ્ય કારણ છે. તેમનું માનવું છે કે જો વિરોધ પ્રદર્શનનું સ્થળ અન્યત્ર હોત તો વેપારને આટલી મોટી અસર થઈ ન હોત.નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિયેશન (NDTA) હવે જંતર-મંતર પરના ધરણાં સ્થળને અન્ય સ્થળે ખસેડવાની માગ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. વેપારીઓના જણાવ્યાનુસાર ગ્રાહકોની અવરજવર ઘટવાથી હોટેલ, રેસ્ટોરાં અને કાફેના વ્યવસાય પર ગંભીર અસર પડી હતી. કેટલાક વેપારીઓએ તો વેચાણમાં 80 ટકા સુધીનો ઘટાડો થયાનો દાવો પણ કર્યો હતો.




