કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોઃ હર્ષ સંઘવી

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર કેટલાક લેભાગુ તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને માહોલ શાંતિપૂર્ણ છે. જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવીને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા.

પથ્થર ફેંકનાર વ્યક્તિ સૌથી મોટો સામાજિક ગુનેગાર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે. આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે, આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે. પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈપણ સમાજનો હોય. એને કોઈપણ પ્રકારની લાગણી, કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે. પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર કઈ રીતે આવી શકે.