ભારતીય શેર બજારમાં આજનો દિવસ નિરાશાજનક રહ્યો

ત્રણ દિવસની રજા બાદ આ સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યો હતો. ઈન્ફોસિસની આગેવાની હેઠળના આઈટી શેરોમાં ભારે ઘટાડાથી બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે બજાર પણ નીચલા સ્તરેથી રિકવર થયું હતું. એક સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 254 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, પરંતુ બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ખરીદીના કારણે બજાર સુધર્યું હતું અને આજના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 59,910 પર 60,000ની નીચે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121 પોઈન્ટના ઘટાડા સાથે 17,706 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના ટ્રેન્ડમાં બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 4.71 ટકા અથવા 1334 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ શેર્સમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉંચા અને 14 નીચામાં બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 31 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં નેસ્લે 4.03 ટકા, પાવર ગ્રીડ 2.29 ટકા, SBI 2.04 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.37 ટકા, કોટક મહિન્દ્રા 1.31 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.26 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 9.40 ટકા, ટેક મહિન્દ્રા 5.25 ટકા, એચસીએલ ટેક 2.72 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિના આંકડામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265.94 લાખ કરોડ થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 265.93 લાખ કરોડ હતું.