શિક્ષણ ભરતી કૌભાંડ : CBIએ TMC નેતા અભિષેક બેનર્જીને પાઠવ્યું સમન્સ

TMC નેતા અભિષેક બેનર્જીને સોમવારે શિક્ષણ ભરતી કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. તેમને આવતીકાલે એટલે કે મંગળવારે કોલકાતાના નિઝામ પેલેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની પૂછપરછ કરવા તપાસ એજન્સીઓને નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.

સીબીઆઈએ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ મોકલ્યા છે. તેમને મંગળવારે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે કલકત્તા હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ પોલીસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં ન આવે તેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, TMC સાંસદ અભિષેક બેનર્જી સુપ્રીમ કોર્ટના આદેશોનું કથિત ઉલ્લંઘન કરવા બદલ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈ અને ઈડી પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહી છે. આ કેસમાં ટીએમસીના ત્રણ ધારાસભ્યો પાર્થ ચેટર્જી, માણિક ભટ્ટાચાર્ય અને જીવન કૃષ્ણ સાહાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઘણા પૂર્વ અધિકારીઓ અને ટીએમસીના ઘણા નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

શું છે મામલો?

આ કૌભાંડ 2014નું છે. તે પછી પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી) એ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હાથ ધરી હતી. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. તે સમયે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા. આ મામલે કલકત્તા હાઈકોર્ટમાં અનિયમિતતાની અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.