SRH vs RCB: કોહલીની તોફાની સદી સાથે બેંગ્લોરની જીત, પ્લેઓફની આશા જીવંત

વિરાટ કોહલીની તોફાની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. IPL 2023ની 65મી મેચમાં કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગઈ છે. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. બેંગ્લોરે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને સદી ફટકારી હતી. RCB શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગયું છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ દરમિયાન 7માં જીત મેળવી છે. બેંગ્લોરને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના 14 પોઈન્ટ છે.


કોહલીની શાનદાર સદીથી બેંગ્લોરની જીત

હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા બેંગ્લોર તરફથી કેપ્ટન ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ પછી કોહલી 63 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભુવનેશ્વર કુમારે તેને શિકાર બનાવ્યો હતો. આ પછી ડુ પ્લેસિસ પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 47 બોલમાં 71 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતે ગ્લેન મેક્સવેલ 5 રન અને બ્રેસવેલ 4 રન બનાવીને અણનમ રહ્યા હતા.

હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને નટરાજને એક-એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 48 રન લૂંટ્યા. નટરાજને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. કાર્તિક ત્યાગીએ 1.2 ઓવરમાં 21 રન આપ્યા હતા. મયંક ડાગરે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા.

હૈદરાબાદની ઇનિંગ્સમાં ક્લાસેનની વિસ્ફોટક સદી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ક્લાસને હૈદરાબાદ માટે વિસ્ફોટક સદી ફટકારી હતી. ચોથા નંબર પર બેટિંગ કરતા તેણે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. ક્લાસેનની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 203.92 હતો. આઈપીએલમાં સદી ફટકારનાર ક્લાસેન હૈદરાબાદનો ચોથો ખેલાડી બન્યો.


આ પહેલા અભિષેક ત્રિપાઠી 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બ્રેસવેલે તેને ચાલતો કર્યો. ઓપનર રાહુલ ત્રિપાઠી 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસવેલે ત્રિપાઠીને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો. કેપ્ટન અદીન માર્કરામ 20 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અંતે હેરી બ્રુક 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવીને આઉટ થયો હતો.


સિરાજ-બ્રેસવેલે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું

આરસીબી માટે સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને એક વિકેટ લીધી હતી. બ્રેસવેલે 2 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાહબાઝ અહેમદે 3 ઓવરમાં 38 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. કર્ણ શર્મા અને પાર્નેલને એક પણ વિકેટ મળી ન હતી.