સીકર (રાજસ્થાન): હાલ રમાતી એશિયા કપ-2023 ક્રિકેટ સ્પર્ધા માટેની ભારતીય ટીમમાં પોતાનો સમાવેશ ન કરાતા લેગસ્પિનર યૂઝવેન્દ્ર ચહલ નિરાશ થઈ ગયો છે. એટલું જ નહીં, આવતા મહિનાથી ભારતમાં રમાનાર આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા માટે ભારતના સંભવિત ખેલાડીઓની ટીમમાં પણ એની પસંદગી કરવામાં આવી નથી. તાજેતરમાં જ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઈ હતી ત્યારે ચહલનો દેખાવ પ્રભાવશાળી રહ્યો નહોતો. પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં એ માત્ર પાંચ જ વિકેટ લઈ શક્યો હતો.
પોતાને સાંપડેલી આ નિરાશાને દૂર કરવા માટે અને સાંત્ત્વના મેળવવા ચહલ યુવા આધ્યાત્મિક ગુરુ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, જેઓ બાગેશ્વર ધામ સરકાર તરીકે શ્રદ્ધાળુઓમાં પ્રખ્યાત થયા છે, એમના દર્શન કરવા ગઈ કાલે, શનિવારે સીકર આવ્યો હતો હતો. અહીં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીના યોજવામાં આવેલા એક-દિવસીય દિવ્ય દરબારમાં તેણે હાજરી આપી હતી, બાબાને પગે લાગીને એમના આશીર્વાદ મેળવ્યા હતા. ચહલે પોતાની તે મુલાકાતનો એક વિડિયો પોતાના સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ પર શેર કર્યો છે અને તેની કેપ્શનમાં લખ્યું છે, ‘જય સીતા રામ.’ ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામ સરકાર સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે. આ સન્યાસી બાબા સનાતની પરંપરાના મૂળ સિદ્ધાંતોને આગળ વધારવાનો સંકલ્પ ધરાવે છે અને ભક્તો-શ્રદ્ધાળુઓની માનવજીવનને લગતી ભૌતિક સમસ્યાઓનું નિવારણ કરવા માર્ગદર્શન આપે છે.
(તસવીર સૌજન્યઃ @bageshwardham)
Jai Sita Ram 🙏🏻 https://t.co/ycFFiRKbGC
— Yuzvendra Chahal (@yuzi_chahal) September 2, 2023