મુંબઈઃ વીમેન્સ પ્રીમિયર લીગ માટે મુંબઈમાં ઓક્શન થઈ રહ્યું છે. લીગની પાંચ ટીમો આશરે 30 ખેલાડીઓ પર રૂ. 17 કરોડથી વધુ ખર્ચ કરશે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં માત્ર 30 ખેલાડીઓની જ ખરીદી થવાની છે. આ 30 ખેલાડીઓમાંથી એક ખેલાડી કાશવી ગૌતમ છે. જેને ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
કાશવી ગૌતમ અનકેપ્ડ ખેલાડી છે. તેણે 24 મેચમાં 210 રન બનાવ્યા છે. તેની બેઝ પ્રાઇઝ રૂ. 10 લાખ હતી. કાશવીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ બોલી લગાવી હતી.
A bid to remember!
Gujarat Giants win the bidding war to get Kashvee Gautam for INR 2 Cr 🔥🔥#TATAWPLAuction | @TataCompanies pic.twitter.com/JUlusSI9M8
— Women's Premier League (WPL) (@wplt20) December 9, 2023
કાશવીને લઈને ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. તેની બોલી રૂ. બે કરોડ સુધી પહોંચી હતી. આ પછી યુપીએ ઘણું વિચાર્યું. પરંતુ અંતે ગુજરાત જાયન્ટ્સ જીત્યું. ગુજરાતે તેને રૂ. બે કરોડમાં ખરીદી હતી. આ સાથે કાશવી WPL ઇતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે.
20 વર્ષીય કાશવીનું નામ વર્ષ 2020માં પ્રકાશમાં આવ્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-19 વનડે ટુર્નામેન્ટની એક મેચમાં તેણે હેટ્રિક સાથે તમામ 10 વિકેટ પોતાને નામે કરી હતી. સિનિયર વીમેન્સ T20 ટ્રોફીમાં પણ કાશવીએ સાત મેચમાં 12 વિકેટ ઝડપી હતી. હાલમાં ઇન્ડિયા-A માટે રમતા કાશવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ-A સામે 2 T20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી.